
ગુજરાતની અગ્રણ્ય બેંકોમાં સ્થાન ધરાવતી ધી વરાછા કો- ઓપ. બેંક લિ., સુરતને ગુજરાતની તમામ કો- ઓપ. બેંકોમાં CASA ડિપોઝિટમાં પ્રથમ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. ગુજરાત અર્બન કો-ઓપ. બેંકસ ફેડરેશન દ્વારા તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ ગુરુવારનાં રોજ હોટલ લીલા ગાંધીનગર ખાતે આયોજિત “સહકાર સેતુ ૨૦૨૪”માં ગુજરાતની અર્બન કો-ઓપ. બેંકોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
સહકાર સેતુ ૨૦૨૪ કાર્યક્રમનું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી માનનીયશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપ બેંકસ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ (નાફકબ); ન્યુ દિલ્હીના ચેરમેનશ્રી લક્ષ્મીદાસ, ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંક્સ ફેડરેશનનાં ચેરમેનશ્રી જ્યોતિન્દ્ર મહેતા તેમજ RBIનાં અધિકારીશ્રીઓ અને ગુજરાતની તમામ સહકારી બેંકોનાં હોદ્દેદારશ્રીઓ સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ સમારોહમાં વરાછા બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા, ડિરેક્ટરશ્રી નરેન્દ્ર ભાઈ કુકડીયા તેમજ જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી અને આસિસ્ટન્ટ જનરલ મેનેજરશ્રી પરેશભાઈ કેલાવાલા ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો.
આ સહકાર સેતુમાં બેન્કિંગ અને ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીઝનાં નિષ્ણાંતો સાથે અલગ અલગ વિષય પર પેનલ ડિસ્કશન નું આયોજન કરવામાં આવ્યું હતું. બેંકના જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી દ્વારા પેનલ ડિસ્કશનમાં સહકારી બેંકો માટે પડકારો વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે AGMશ્રી પરેશભાઈ કેલાવાલા દ્વારા બેન્કિંગ ક્ષેત્રમાં ટેકનોલોજીની ભૂમિકા વિશે ડિસ્કશનમાં ચર્ચા કરવામાં આવી હતી.
બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા પ્રતિષ્ઠિત એવોર્ડ વરાછા બેંક પરિવારના તમામ સભ્યોને સમર્પિત કર્યો હતો. આ સાથે વધુમાં જણાવ્યું હતું કે, બેંકની સિદ્ધિમાં એક વધુ મોરપીંછ ઉમેરાયું તે બદલ વરાછા બેંક પરિવાર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે. આ સિદ્ધિ બેંક પરિવારનાં તમામ સભ્યોની નિષ્ઠા અને સખત મહેનતનું પરિણામ છે. અંતે તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યો, તમામ સ્ટાફ તેમજ સભાસદો અને ખાતેદારોને હૃદયથી અભિનંદન પાઠવ્યા હતા.