
રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા કલેકટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં અંબાજી ભાદરવી પૂનમના મહામેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે તા. 5થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મહામેળાનો અંબાજી ખાતે દાંતા રોડ પર વેંકટેશ માર્બલ પાસે આદિવાસી દિકરીઓના હસ્તે માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે પૂજા-અર્ચના કરીને પ્રારંભ કરાવાયો હતો. કલેક્ટર સહિતના મહાનુભાવોએ રથને થોડેક સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. તે સમયે ઉપસ્થિત પદયાત્રિકોએ માતાજીના ગગનચુંબી જયઘોષ કર્યા હતા.
ત્યારબાદ પ્રદર્શન ડોમમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, માહિતી ખાતું, આરોગ્ય વિભાગ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા બનાવાયેલા અદ્યતન પ્રદર્શનનું કલેકટરના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું