
શહેરના પાંડેસરાના નાગસેન નગરમાં મોટી સંખ્યામાં મજૂરી કામ કરી ગુજરાત ચલાવતા પરિવારના લોકો વસે છે આવા વિસ્તારમાં યુવકો દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી નિઃશુલ્ક શૈક્ષણિક ટ્યૂશન કલાસ ચલાવવામાં આવે છે. શૈક્ષણિક જનજાગૃતિ માટે પ્રયત્ન હાથ ધરાયા હતા જેને લઇને શાળા છોડી દેનાર ૧-૨ નહીં પરંતુ ૯૦ જેટલા વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓએ પ્રવેશ મેળવ્યો હતો.
શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગરના યુવકોએ અનોખી પહેલ શરૂ કરી છે. જે અંતર્ગત વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહી જાય લે તે હેતુથી નાગસેન નગર બુદ્ધ વિહારના કલાસના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી લોકોના ઘરે ઘરે જઈ શૈક્ષણિક જનજાગૃતિ લાવવામાં આવી હતી. ખાસ કરીને જે બાળકો ટ્યુશન ક્લાસીસ જતા ન હતા તેઓના વાલીઓને શિક્ષણના મહત્વ વિશે સમજાવીને એવા બાળકોને નિઃશુલ્ક રીતે કલાસમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વ્યસનનું પ્રમાણ વધુ હોવાથી નાની ઉંમરે યુવાઓ અને પરિણીત પુરુષો દારૂના રવાડે ચડે છે અને મોતને ભેટે છે. પરીણામે ઘરની સંપૂર્ણ જવાબદારી મહિલા પર આવતા તેમના સંતાનોને ભણવાને બદલે કામ પર સાથે લઈ જતા ઘણા વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓએ ભણતર છોડવું પડે છે. જેને લઇને યુવાઓએ આવા દરેક વિદ્યાર્થીઓને અને તેમના પરિવારને શિક્ષણનું મહત્વ સમજાવવાની અને તેનો લાભ ભવિષ્યમાં થશે તે સમજાવવાની પહેલ શરૂ કરી હતી.
આ અંગે નિકિતા સરકટે કહ્યું કે, જે વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી છે એવા અનેક બાળકોને ફરી શિક્ષણ કાર્ય શરૂ કરવા સમજ આપી તેઓ પણ ફરી શિક્ષણ કાર્ય શરૂ કરવા રાજી થયા હતા. જેમાં ૯૦ થી વધુ વિદ્યાર્થીઓએ એક જ દિવસમાં પ્રવેશ મેળવ્યો હતો. ગ્રુપ દ્વારા વિસ્તારના લોકો પાસેથી તેમજ જાતે ફંડ ભેગું કરી કલાસ ચલાવવામાં આવે છે. અહીં સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તૈયારી, વાંચનલય, કોમ્યુટરની સુવિધા, વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટસની સુવિધા, ડાન્સ કલાસ સહિતની સુવિધાઓ આપવામાં આવે છે.