
દિલ્હી :૨૭-૦૮-૨૦૨૧
ભારતમાં ડ્રોન ઉડાડવાનું હવે સરળ બની ગયું છે. કેન્દ્ર સરકારે ડ્રોનની ઉડાન માટે નિયમો હળવા કરી દીધા છે. જુના નિયમ પ્રમાણે પહેલાં ૨૫ ફોર્મ ભરવા પડતા હતા, તેના બદલે હવે નવા કાયદામાં માત્ર પાંચ ફોર્મ ભરીને ડ્રોન ઉડાડવાની પરવાનગી મેળવી શકાશે. લાઈસન્સ ફીમાં પણ ધરખમ ઘટાડો થયો છે.
દેશ ભરમાં હવે ન્યૂ ડ્રોન રૂલ્સ-૨૦૨૧ લાગુ થશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના નવા જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે હવે ડ્રોનની ઉડાન વધારે સરળ બનશે. કોઈ પણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકે તે માટે કેન્દ્ર સરકારે નિયમો ઘણાં હળવા કરી દીધા છે. પહેલાં ડ્રોનની ઉડાન માટે ૨૫ પ્રકારના ફોર્મ ભરવા પડતા હતા, તેના બદલે નવા નિયમો પ્રમાણે માત્ર પાંચ જ ફોર્મ ભરીને પરવાનગી મેળવી શકાશે.
વળી, ઉડાનના ઝોનમાં પણ ઘણી છૂટછાટ આપવામાં આવી છે. ગ્રીન ઝોનમાં ડ્રોન ઉડાડવા માટે કોઈ જ આગોતરી પરવાનગી મેળવવી પડશે નહીં. ગ્રીન ઝોન એટલે ૪૦૦ ફૂટની ઊંચાઈ. ૧૨૦ મીટરથી નીચે ઉડાન ભરાવવી હશે તો સંબંધિત વિભાગોની પરવાનગી ફરજિયાત છે. ગ્રીન ઝોન, રેડ ઝોન અને યેલ્લો ઝોન એમ ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. એરપોર્ટની નજીક ૪૫ કિલોમીટરના અંતરમાં ડ્રોનની ઉડાન શક્ય ન હતી, તેના બદલે હવે માત્ર ૧૨ કિલોમીટરના દાયરામાં જ ડ્રોન ઉડાવી શકાશે નહીં. એરપોર્ટના દાયરાને પણ ઘટાડાયો છે.
તે સિવાય લાઈસન્સ ફીમાં પણ ધરખમ ઘટાડો થયો છે. પહેલાં ૩૦૦૦ રૂપિયામાં લાઈસન્સ મળતું હતું, તે હવે માત્ર ૧૦૦ રૂપિયામાં મળી જશે. નવા નિયમમાં ૫૦૦ કિલોગ્રામના ડ્રોનની છૂટ મળી છે. અગાઉ ૩૦૦ કિલોના વજનના ડ્રોનની પરવાનગી મળતી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રોન રૂલ્સ-૨૦૨૧ અંગે ટ્વિટ કરતા કહ્યું હતું કે નિયમો સરળ બન્યા હોવાથી હવે ભારત ડ્રોન હબ બનશે. ભારતમાં ડ્રોનના સ્ટાર્ટઅપને મદદ મળશે. આ નિયમોથી દેશમાં ઈનોવેશન્સ અને બિઝનેસની તકોનો વિકાસ થશે. ડ્રોનની ટેકનોલોજીમાં ભારત વિશ્વભરમાં નોંધ લેવડાવશે.
સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કરીને કહ્યું હતુઃ ડ્રોન ઉડ્ડયનના નવા નિયમો ભારતમાં ટ્રાન્સપોર્ટ, કૃષિ અને હેલ્થકેર જેવાં અસંખ્ય ક્ષેત્રોમાં ક્રાંતિ લાવશે.