
અફઘાનિસ્તાન 27-08-2021
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકી હુમલાના 16 કલાક બાદ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી છે અને લોકોને ત્યાંથી ફરી એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. ગુરુવારે સાંજે કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો આ હુમલાઓમાં 90 અફઘાની અને 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. જ્યારે 1,338 લોકો ઘાયલ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, માર્યા ગયેલા 90 અફઘાનીઓમાંથી 28 તાલિબાન હતા, જે કાબુલ એરપોર્ટની બહાર તહેનાત હતા. આં આતંકવાદી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ISISના ખુરાસાન ગ્રુપે સ્વીકારી છે.
એરપોર્ટ પર બે ફિયાદીન હુમલા-ત્રણ બોમ્બ-બ્લાસ્ટથી ધ્રૂજી ગયેલા, કાબુલ એરપોર્ટ પર વધુ આતંકવાદી હુમલા થઈ શકે છે.. એવામાં કાબુલ સ્થિત અમેરિકી દૂતાવાસ નવું એલર્ટ જાહેર કર્યું છે, સાથે અમેરિકાએ કહ્યું હતું કે તે કાબુલમાંથી લોકોને બહાર કાઢવાનો સિલસિલો ચાલુ રાખશે. અમેરિકન પ્રમુખ જો બાઇડનને હુમલાખોરોને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે તેઓ આતંકીઓને શોધી શોધીને ઠાર મારશે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કાબુલ એરપોર્ટ પર હુમલાની નિંદા કરતાં કહ્યું હતું કે અમેરિકન સૈનિકોનાં મૃત્યુ ખૂબ જ દુઃખદ છે, અન્ય લોકોના જીવ બચાવવામાં અમેરિકન સૈનિકોનું બલિદાન અમે ક્યારેય નહીં ભૂલી શકીએ અને હુમલાખોરોને માફ નહીં કરીએ. અમે આતંકવાદીઓને પકડી પકડીને મારીશું, સૈનિકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે. અમે અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢીશું અને અફઘાન સાથીઓને પણ બહાર કાઢીશું. અમારું મિશન ચાલુ જ રહેશે અને જરૂર પડ્યે અમે વધારાના સૈનિકો પણ મોકલીશું.