
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ શંકર ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ટ્રાન્સફોર્મરમાં મોડીરાત્રિએ અચાનક આગની ઘટના બની હતી. ટ્રાન્સફરમરમાં ધડાકા સાથે આગ લાગતા આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચીને વીજ કંપનીમાંથી ફાયર સપ્લાય બંધ કરાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં મોટી દુર્ઘટના બનતા ટળી હતી.
લોકોમાં ભયનો માહોલ સર્જાયો
મોડીરાત્રે અચાનક ધડાકા સાથે ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થઈ હતી અને ત્યારબાદ આગ લાગી હતી. આ વિસ્તારમાં અનેક એમ્બ્રોડરી અને લૂમ્સના કારખાના આવેલા છે. ત્યારે આગ લાગતા અહીં કારીગરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત ટ્રાન્સફોર્મરની નજીક અનેક કારખાનાઓ આવેલા હતા ત્યારે તેમાં પણ આગ લાગવાનો ભય ઊભો થયો હતો. જેને લઈ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અહીં અફરાતફરી સર્જાઇ હતી.
ફાયરે આગ પર કાબૂ મેળવ્યો
બનાવની જાણ મોડી રાત્રે ફાયર વિભાગને કરવામાં આવી હતી. ત્યારે કાપોદ્રા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ડીજીવીસીએલને જાણ કરીને ઇન્ડસ્ટ્રીઝનો પાવર બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. બનાવ અંગે ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ નજીકના કારખાનાઓમાં પહોંચે કે તેને નુકસાન કરે તે પહેલા જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.