
ગુજરાતની ગતિશીલ સહકારી બેંકોમાં અગ્રીમ સ્થાન ધરાવતી ધી વરાછા કો – ઓપ. બેંક લિ., સુરત દ્વારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં સભ્યો માટે ધી ઝુરી વ્હાઇટ સેન્ડ રિસોર્ટ, ગોવા ખાતે “ગુડ ગવર્નન્સ” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ગેસ્ટ સ્પીકર તરીકે CA શ્રી મિલિન્દભાઈ કાલે ઉપસ્થિત રહ્યા હતા. સહકારી ક્ષેત્રે તેઓ ખૂબ કીર્તિમાન છે. કાલે સાહેબશ્રી ભારતની બીજા નંબરની સૌથી મોટી સહકારી બેંક ધી કોસ્મોસ કો-ઓપ. બેંક લિ. સાથે સન ૧૯૯૯ થી જોડાયા છે અને હાલ ચેરમેન તરીકે પદ સંભાળી રહ્યા છે સાથે સાથે નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટિવ બેંક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ (NAFCUB), ન્યુ દિલ્હીનાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પોતાનો કાર્યકાળ સંભાળી રહ્યા છે. આ ઉપરાંત સાહેબશ્રી કો-ઓપરેટીવ બેંક ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન કો-ઓપરેટિવ બેંક્સ સંસ્થાના વાઈસ ચેરમેન તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. સહકારી ક્ષેત્રની વિવિધ સંસ્થાઓમાં કાર્યરત રહી સહકારી ક્ષેત્રના ઉત્થાન માટે મહત્વની ભૂમિકા ભજવે છે.
બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા, વાઇસ ચેરમેનશ્રી જી. આર. આસોદરિયા, બોર્ડ ઓફ મેનેજમેન્ટ ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળા તેમજ ડિરેક્ટરશ્રી પી. બી. ઢાકેચા દ્વારા ગેસ્ટ સ્પીકર CA શ્રી મિલિન્દભાઈ કાલે ને સન્માનિત કરવામાં આવ્યા હતા. બેંકનાં ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા એ સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત ગેસ્ટ સ્પીકર તેમજ ડિરેક્ટર્સ અને મેનેજમેન્ટ સભ્યોને આવકાર્યા હતા.
આજે સહકારી બેંકો સામે ઊભા થયેલા પડકારો અને તેમની બેન્કિંગ ઉપર થનારી અસર વિશે માહિતી આપતા વરાછા બેંકનાં BoM ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળા દ્વારા કાલે સાહેબશ્રીનો પરિચય ઉપસ્થિત તમામ મેહમાનશ્રીઓને આપ્યો હતો તેમજ ધી કોસ્મોસ કો-ઓપ.બેંકની સફળ યાત્રા વિશે વાત કરી હતી.
CA શ્રી મિલિન્દ કાલે દ્વારા ગુડ ગવર્નન્સ પર વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, RBIનાં નીતિ-નિયમોની જાણ અને તેનું અનુકરણ બેંકમાં દરેક સ્તર પર થવું જોઈએ. બેંકના BoD અને BoM સભ્યોનું સંકલન બેંકની પ્રગતિમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યારે બેંકના કર્મચારીની કાર્યક્ષમતામાં વૃદ્ધિ જ બેંકની પ્રગતિ વેગવંતી રાખવા મહત્વની બની રહે છે. હાલનાં સમયમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુડ ગવર્નન્સને ઉત્કૃષ્ટ કરવા તાકીદ કરી હતી.
આ સેમિનારમાં યોજાયેલ પ્રશ્નોત્તરીમાં ડિરેક્ટર્સ અને મેનેજમેન્ટ સભ્યો સહભાગી બન્યા હતા અને અનેક પ્રશ્નોના નિરાકરણ મિલિંદભાઈ કાલે દ્વારા આપવામાં આવ્યા હતા. અંતે બેંકના વાઇસ ચેરમેનશ્રી જી.આર.આસોદરિયા એ ઉપસ્થિત ગેસ્ટ સ્પીકર તેમજ તમામ ડિરેક્ટર્સ અને મેનેજમેન્ટ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સુંદર સંચાલન ડિરેક્ટરશ્રી કાંતિભાઈ મારકણા દ્વારા કરવામાં આવ્યું હતું.