
સુરતના રેલવે સ્ટેશન પર કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. એક રત્નકલાકાર કામકાજ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ ઉતાવળે જઈ રહ્યો હતો. આ દરમિયાન રેલવે સ્ટેશન પર ટ્રેનને લીલીઝંડી મળી જતાં ઊપડી ગઈ હતી. સ્ટેશન છોડતી સુરત-વડોદરા મેમુ ટ્રેનમાં ઉતાવળે ચડતી વખતે રત્નકલાકારના વરસાદમાં ભીના થયેલા રેલવે સ્ટેશન પર પગ લપસ્યા અને ટ્રેનની નીચે પગ આવી ગયા હતા. તેણે બંને પગ ગુમાવી દીધા હતા. જોકે રલેવે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફ જવાનોએ તાત્કાલિક રત્નકલાકારને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.
કોસાડ-ભરથાણાનો રત્નકલાકાર નાઇટ ડ્યૂટી પૂરી કરી ઘરે જવા સુરત સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશન પર પહોંચ્યો ત્યારે સુરત-વડોદરા મેમુ ટ્રેન ઊપડી રહી હતી. દરમિયાન ચાલુ ટ્રેને બેસવા જતાં પગ લપસી જતાં ટ્રેન નીચે આવી જતાં રત્નકલાકારના બંને પગ કપાઇ ગયા હતા છતાં હિંમતભેર દશરથભાઈએ તેમના સંબંધીઓને ફોન કરીને જાણ કરી હતી. બન્ને પગ ગુમાવ્યા બાદ પણ પીડાથી કણસતા દશરથભાઈની હિંમતને સૌકોઈએ બિરદાવી પણ હતી. જોકે ભૂલ ભારે પડી હોવાની લાગણી પણ લોકોએ વ્યક્ત કરી હતી.