
સોમનાથ- પોરબંદર- હાઇવે ઉપર નરવાઇ માતાજીના મંદિર નજીક આજે વહેલી સવારે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ત્રણ યુવાનના કમ કમાટી ભર્યાં મૃત્યુ નિપજ્યા હતા જ્યારે અન્ય બે શખસને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પાંચ જેટલા યુવકો ખંભાળિયાના ખજૂરિયા ગામથી માંગરોળ પંથકના લોએજ ગામ તરફ જઇ રહ્યા હતા એ દરમિયાન રાષ્ટ્માં અકસ્માત સર્જાયો હતો
આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર, પોરબંદર-સોમનાથ હાઇવે ઉપર આજે શુક્રવારે વહેલી સવારે એક કારના ડાઇવરે કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ખંભાળિયા તાલુકાના ખજૂરિયા ગામના પાંચ યુવાન માંગરોળ પંથકના લોએજ ગામ તરફ જઇ રહ્યા હતા એ સમયે પોરબંદર નજીક નરવાઇ મંદિર અને ચીકાસા વચ્ચેના હાઇવે પર એકાએક કાર પલટી મારી ડિવાઇડર સાથે ટકરાઇ હતી. આ અકસ્માતમાં કિશન ચંદ્રાવાડિયા, મયૂર ચંદ્રાવાડિયા અને ઘેલુભાઇ ચંદ્રાવાડિયા નામના ત્રણ યુવાનનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતાં, જ્યારે કારમાં સવાર અન્ય રાજુભાઇ ચંદ્રાવાડિયા અને વજશીભાઇ નંદાણિયાને ઇજા પહોંચી હતી.