
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે રાત્રિ દરમિયાન સુરત જિલ્લાના ઓલપાડમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. રાત્રિ દરમિયાન વરસાદ વરસતા ઓલપાડ તાલુકાના કરંજ ગામે એક મકાન ધરાશાયી થયું હતું. જેથી મકાનની અંદર નિંદર માણી રહેલા દંપત્તીનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. દંપત્તીના મોતની જાણ થતાં રાજકિય આગેવાનો અને પોલીસ તથા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.
મળતી માહિતી મુજબ છેલ્લા 48 કલાકથી સતત વરસતા વરસાદને પગલે સમગ્ર સુરત જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે ઓલપાડ તાલુકાના કરંજ ગામે આહિરવાસનો આ કરુણ બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં આહીર દંપતી રાત્રે ભર નિંદ્રામાં સુતા હતા ત્યારે અચાનક જ દિવાલ ધસી પડતા દંપતી સવારે ઉઠ્યું જ હતું, અને કાટમાળ નીચે દબાયેલા બન્ને દંપતિના કરુણ મોત નિપજ્યા છે. મહવત્વની વાત છે કે સતત વરસતા વરસાદથી હાલ સમગ્ર રાજ્યમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે, અને ભારે વરસાદને પગલે મકાનની દિવાલ ધરાશાયી થવા સાથે વૃક્ષો પડવા અને વાહન વ્યવહાર ખોરવાવા જેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.
ઓલપાડના કરંજ ગામે આહિરવાસમાં સર્જાયેલી દુર્ઘટનાથી સમગ્ર ગામમાં અરેરાટીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાની માહિતી મેળવવા માટે મંત્રી મુકેશ પટેલના પ્રતિનિધિ અશોક પટેલ, ભાજપ સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ,તાલુકા પ્રમુખ અમિત પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સાથે જ ઓલપાડ પોલીસ ,ઓલપાડ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે આવ્યાં હતાં.