
ડભોલી વણઝારાવાસ સહિતના ઓવારાને બેરિકેડિંગ કરી સીલ કરાયાં છે.
શહેરમાં 25 હજાર જેટલી દશામાની પ્રતિમાનું વિસર્જન થવાનું હોવાથી પાલિકા-પોલીસ તંત્ર દ્વારા ખાસ કરીને નદીમાં વિસર્જન નહીં થાય તે માટે ઓવારા સીલ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશને પગલે છેલ્લા 3 વર્ષથી પ્રતિમા નદી, તળાવોમાં વિસર્જન પર ચૂસ્ત પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા કરવામાં આવે છે, આ વખતે પણ પાલિકા કમિશનરે ઓવારાઓને બેરીકેડિંગ કરી સીલ કરવા આદેશ કરતાં ગત વર્ષની જેમ તાપી નદી પરના 32 ઓવારા સીલ કરાયા છે. નદીમાં વિસર્જન માટે જનારાને અટકાવી કાર્યવાહી કરાશે.
રાત્રિ કર્ફ્યુ હોવાથી વિસર્જન યાત્રા નીકળી શકે એમ નથી, કૃત્રિમ તળાવ પણ બનાવાયા નથી
મંગળ-બુધવારની રાત્રે દશામાની મૂર્તિઓનું વિસર્જન થનાર છે. જોકે તમામ મૂર્તિઓનું ઘરમાં જ વિસર્જન થનાર હોવાથી પોલીસે માત્ર નદી-તળાવ-નહેર પર બંદોબસ્ત રાખ્યો છે. તળાવ,નદી,દરિયામાં વિસર્જન પર પ્રતિબંધ છે. મનપા દ્વારા કુદરતી તળાવો પણ બનાવાયા નથી. હાલમાં રાત્રિ કર્ફ્યુ હોવાથી વિસર્જના યાત્રા નીકળી શકે એમ નથી. લોકોએ ઘરમાં વિસર્જન કરવાનું છે. પોલીસે નદી,નહેર,તળાવ,દરિયા પર બંદોબસ્ત ગોઠવ્યો છે.