
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં 18 માટે કામ કરતી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટે વરાછાના ધારાસભ્યએ માંગણી કરી છે. આધારકાર્ડ બનાવનારી એજન્સી વરાછા ઝોનમાં મોટા પાયે ગેરકાયદેસર કામ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યના માજી આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ મહાનગર પાલિકા કમિશનરને પત્ર લખીને વરાછા ઝોનમાં આધારકાર્ડ માટે વિરાણી એન્ટરપ્રાઇઝ કામ કરે છે. આ એજન્સી દ્વારા આધારકાર્ડની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. એજન્સી દ્વારા અનેક ગેરકાયદેસર કામ કરવામાં આવ્યા છે તેના અનેક દાખલા બહાર આવ્યા છે. કામરેજ વિસ્તારમાં મામલતદારના ખોટા દાખલા અને ખોટી સહી કરીને ખોટા દાખલા આપવાની ગેરરીતિ બહાર આવી છે જે અંગે પોલીસ ફરિયાદ પણ થઇ છે. આ ઉપરાંત પાલ વિસ્તારમાં એક બાંગ્લાદેશીને આધાર કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું તે પણ આ જ એજન્સીના માણસો હતા અને તે હાલ જેલમાં છે. હાલ એજન્સી દ્વારા ૫૦ રૂપિયાને બદલે પોતાની ઓફિસમાં 500થી 800 રૂપિયા લઈને આધાર કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવે છે. એજન્સી પોતાના કર્મચારીઓને પગાર આપતી નથી અને પોતપોતાની રીતે કમાઈ લેવાની છૂટ આપી છે જેને કારણે આ ગેરરીતિ થઈ રહી છે. આવી અનેક ગેરરીતિ થઈ રહી છે અને બહાર આવી રહી છે તેથી એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટે માંગણી કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રી તરીકે તેની જવાબદારીમાંથી મુક્ત થયા બાદ કુમાર કાનાણી હવે વધુ એક્ટિવ થયા છે અને પાલિકાની વિવિધ કામગીરી સામે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.