
પીપલોદ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર ઉમરા પોલીસે રેઇડ પાડી 3ની ધરપકડ કરી હતી. પોલીસે થાઈલેન્ડની 3 યુવતી સહિત 7 યુવતીને મુક્ત કરાવી હતી.
રવિવારે રાત્રે કંટ્રોલ રૂમને કોલ આવ્યો કે, પીપલોદમાં સેન્ટ્રલ મોલ સામે એસએનએસ સીનર્જી બિલ્ડિંગમાં રેડ પર્લમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલે છે. ઉમરા પોલીસે રેઇડ કરી કુટણખાનું ચલાવતા પ્રમોદકુમાર યાદવ, સંજય બાબુ બગડિયા અને સાગર કિશોર સિહોરાની ધરપકડ કરી છે. આરોપી પ્રમોદ કુટણખાનું ચલાવતો હતો. જ્યારે સંજય અને સાગર ગ્રાહક છે. પોલીસે તેમની પાસેથી 4 ફોન, રોકડા રૂપિયા 7 હજાર 7 સો સહિતની મત્તા કબજે કરી હતી.
સંચાલક પ્રમોદ કુટણખાનામાં આવતા ગ્રાહકો પાસે રૂપિયા 2 હજાર લેતો હતો તેમાંથી 1 હજાર યુવતીઓને આપતો અને 1 હજાર પોતે રાખતો હતો. તે ફોન અને સોશિયલ મીડિયાથી ગ્રાહકોનો સંપર્ક કરતો હતો. સ્પામાંથી કુલ 7 યુવતી મળી હતી. તેમાંથી 3 થાઈલેન્ડની વતની છે જ્યારે 4 યુવતીઓ ભારતના અલગ-અલગ રાજ્યની છે. પોલીસે યુવતીઓનો જવાબ લખીને તેમને જવા દીધી હતી. થાઈલેન્ડની યુવતીઓ ટૂરીસ્ટ વિઝા પર આવી હતી. હાલ પોલીસે આ રેડમાં ઝડપાયેલા આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.