
રવિવારની રાત્રે મોતને વ્હાલું કરવાના ઈરાદે સુરતમાં કાપોદ્રા-ઉતરાણ બ્રિજ ઉપરથી તાપી નદીમાં ભુસ્કો મારનાર ઈસમને એક કલાક બાદ ફાયરના જવાનોએ હેમખેમ બચાવી લીધો હતો. પાણીમાં પડ્યા બાદ મોતને પોતાની નજર સામે જોઈ વ્હાલી જિંદગીને બચાવવા પાણીમાં જ હાથ પગ મારનાર યુવકે પાણીમાં બ્રિજના પિલરને પકડીને મામાને ફોન કરતા આખી ઘટના સાંભળાવતા પરિવારે ભાગદોડ કરી યુવકને બચાવી લીધો હતો.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના રાત્રે 12.23 કલાકની હતી. કાપોદ્રા ઉતરાણ બ્રિજ પરથી એક યુવકે ભુસ્કો માર્યો હોવાનો કોલ મળ્યો હતો. ઘટનાની જાણ બાદ ફાયરના જવાનોની તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયરના ત્રણ જવાનોએ પાણીમાં ઉતરી રિંગ બોય વડે યુવકને સહીસલામત બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. તેના મામા પણ સ્થળ ઉપર હાજર હતા. યુવક કારિગલ ચોક પાસેની ચક્રતા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય હોવાનું બહાર આવ્યું હતું.
ફાયર ઓફિસર વાળાએ જણાવ્યું હતું કે યુવકે તાપી નદીમાં ભુસ્કો માર્યા બાદ પાણીમાં ડૂબી રહ્યો હતો. જોકે મોતને વ્હાલું કરવાનો ઈરાદો હોવા છતાં પાણીમાં પડ્યા બાદ તેને પોતાનો જીવ વ્હાલો લાગતા બચવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. પાણીમાં જ આમ તેમ હાથ પગ મારવા લાગ્યો હતો. ત્યારે બ્રિજનો પિલર તેના હાથમાં આવી ગયો હતો. પાણીમાં જ તેને પિલરના ગેપ પાસેથી પકડી રાખ્યો હતો. આમ તે લગભગ એક કલાક સુધી રહ્યો હતો.