
ઘણા સમયથી અમિતાભ બચ્ચનના બૉડીગાર્ડ રહેલા મુંબઈ પોલીસના હેડ કોન્સ્ટેબલ જિતેન્દ્ર શિંદેની પોલીસ કમિશનર હેમંત નાગરાલે ટ્રાન્સફર કરી દીધી છે. જિતેન્દ્ર પર આરોપ છે કે તે અમિતાભ બચ્ચન પાસેથી વર્ષે દોઢ કરોડ રૂપિયાનો પગાર લેતો હતો. આ માહિતી મળ્યા બાદ જિતેન્દ્ર વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનને X કક્ષાની સિક્યોરિટી પૂરી પાડવામાં આવી છે અને તેથી જ મુંબઈ પોલીસના બે કોન્સ્ટેબલ સતત તેમની સાથે હોય છે.
જિતેન્દ્ર શિંદે 2015થી અમિતાભની સુરક્ષામાં રોકાયેલો હતો. માનવામાં આવે છે કે જિતેન્દ્ર શિંદે પ્રાઇવેટ સુરક્ષા એજન્સી પણ ચલાવે છે. આ એજન્સી તેની પત્ની ચલાવે છે. શિંદેએ એ વાતનો ઈનકાર કર્યો હતો કે તેમને અમિતાભ બચ્ચન વર્ષે દોઢ કરોડનો પગાર આપતા હતા
શિંદે હંમેશાં અમિતાભ બચ્ચનના પડછાયાની જેમ સાથે રહેતો હતો. થોડા સમય પહેલાં અચાનક જ તેના પગારની ચર્ચા સો.મીડિયામાં થવા લાગી હતી. એમ માનવામાં આવે છે કે શિંદેનો પગાર મલ્ટીનેશનલ કંપનીના CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર)થી પણ વધારે છે. શિંદેને દર મહિને 12 લાખ રૂપિયાનો પગાર મળે છે. આ ઉપરાંત તેને સરકારી પગાર પણ મળે જ છે.