
રાત્રીના સમયે ઓફીસમાં પ્રવેશી રોકડ રૂપિયા, લેપટોપ, મોબાઈલ, ટેલીવિઝનની ઘરફોડ ચોરી કરતા રીઢા આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.પોલીસે તેમની પાસેથી બે લેપટોપ અને ત્રણ મોબાઈલ ફોન અને ટીવી કબજે લીધા હતા.
સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસ પેટ્રોલીંગમાં હતી. જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વેડરોડ નાની બહુચરજી રોડ હોન્ડા સર્વિસ સેન્ટરની ગલીમાંથી જૂની સરકારી શાળાના કમ્પાઉન્ડ પાસે વોચ ગોઠવીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે રાહુલ નિશાદ અને બલરામસિંહ નિશાદની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન, બે લેપટોપ અને એક ટીવી કબજે કર્યા હતા. આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ બે મહિના પહેલા એક સાડીના જોબવર્કના ખાતામાંથી લેપટોપની ચોરી કરી હતી. જે બાદ પંડોળમાં એક ખાતામાંથી લેપટોપની ચોરી કર્યાની કબુલાત કરી હતી. જે તમામ કબુલાતના આધારે પોલીસે ચાર ચોકબજાર પોલીસ મથકે નોંધાયેલા ને બે સરથાણા પોલીસ મથકે નોંધાયેલ ગુના ઉકેલી નાખ્યા હતા. હાલ આ આરોપીઓને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરુ કરી છે.