
ડીંડોલી પોલીસ સ્ટેશનની હદમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા ઉપરાંત, બાળકીના અપહરણ અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ચાર રીઢા ગુનેગારોને સુરત પોલીસની સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જેઓની પાસેથી સોના-ચાંદીના દાગીના તેમજ ૧૩ જેટલા મોબાઈલ ફોન સહીત મળીને કુલ ૧૧ લાખ ૪૫ હજારની મત્તા કબજે કરી હતી. સાથે આ આરોપીઓની કબુલાતના આધારે ત્રણ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
સુરત એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ સુવેરા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.સી. જાડેજાનાઓએ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓની માહિતી મેળવી હતી. જેમાં ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાના આરોપીઓને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી હતી. જેમાં એસઓજીની ટીમને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને ડીંડોલી નંદનવન ટાઉનશીપ પાસેથી ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સુરજ ઉર્ફે સુરજ કાલીયા સરોજ, સતવંત સિંહ ઉર્ફે આદિત્ય યાદવ અને કુલદીપ ઉર્ફે કલ્લુ ઠાકુર તેમજ મોહમ્મદ ઝીયાઉલ હુસન ઉર્ફે ગોલ્ડનની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓની પાસેથી રૂપિયા ૮ લાખ ૬૯ હજારના સોના-ચાંદીના દાગીના, તેમજ ૧૩ મોબાઈલ ફોન અને બે બાઈક મળીને કુલ રૂપિયા ૧૧ લાખ ૪૫ હજારની મત્તા કબજે કરી હતી. આરોપીઓની પોલીસે પૂછપરછ હાથ ધરાતા તેઓએ ડીંડોલી-નવાગામમાં આવેલ શિરડીધામ સોસાયટીના એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી. તેમજ ચોરીના મળેલ ૧૩ મોબાઈલ અલગ અલગ વિસ્તારોમાં આવેલ ઘરોમાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી. જે કબુલાતના આધારે પોલીસે ડીંડોલી પોલીસ મથકનો એક અને પાંડેસરા પોલીસ મથકના બે ગુના ઉકેલાયા હતા. તેમજ તમામ આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ પણ મળી આવ્યો હતો. હાલ પોલીસે આ આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરુ કરી છે.