
સુરત શહેર કવિ વીર નર્મદના નામથી ઓળખાય છે. ગુજરાતી સાહિત્યના અનમોલ રત્ન એવા કવિ વીર નર્મદનો આજે જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. કવિ નર્મદના નિવાસસ્થાન “સરસ્વતી મંદિર” આમલીરાન ખાતે તેમની પ્રતિમાને સુતરની અંજલિ અર્પણ કરવામાં આવી હતી. સુરત શહેરના મેયર ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારો કવિ નર્મદના નિવાસ્થાને પહોંચીને તમને યાદ કર્યાં હતાં.
કવિ નર્મદનો જન્મ 1833માં થયો હતો. કવિ નર્મદ સુરતની રાંદેર વિસ્તારની એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ત્યારબાદ તેમનું મન ત્યાં ન લાગતાં તેમણે સાહિત્ય ક્ષેત્રની અંદર પોતાનું યોગદાન આપવાનું વિચાર્યું હતું. કવિ નર્મદે શરૂ કરેલી કવિતા અને તેમને ગુજરાતી સાહિત્યના શિરમોર કવિનું સ્થાન અપાવ્યું, અને તેના કારણે સુરત શહેરને પણ દેશ અને વિદેશમાં આગવી ઓળખ મળી. સુરત શહેરની ઓળખ કવિ નર્મદથી સમગ્ર વિશ્વભરમાં થવા લાગી હતી.
ક્રાંતિકારી લેખક તરીકેની કવિ નર્મદની ઓળખ આજે પણ અકબંધ છે. દેશની આઝાદીની ચળવળથી લઈને સમાજના ઉત્થાનના અનેક એવા કુરિવાજોમાંથી પ્રજાને બહાર લાવવા માટે સાહિત્ય કેટલું મોટું યોગદાન આપી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કવિ નર્મદ આપ્યું હતું. તેમણે લખેલા પુસ્તકો આજે પણ સમાજ માટે માર્ગદર્શક બની રહ્યા છે. વિશેષ કરીને મહિલાઓના કુરિવાજોને દૂર કરવા માટે તેમણે અથાગ પરિશ્રમ કર્યા હતા.
દેશના આઝાદી સમયે તેમણે જે રીતે ક્રાંતિકારી લેખો લખ્યા હતા. તેની સીધી અસર દેશભરના યુવાનોમાં જોવા મળી હતી. આઝાદીની અલખ તેમણે જગાડી હોય તે રીતનો માહોલ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળ્યો હતો. તેમના લેખનના કારણે સમગ્ર ગુજરાતની અંદર આઝાદી નું નવું જોમ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે પણ તેમના વિચારો સાંપ્રત સમયમાં કુરિવાજોને દૂર કરવા માટે દીવાદાંડી સમાન બની રહ્યા છે.
સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે, આજે સુરતની ઓળખ સમાન કવિ વીર નર્મદ નો જન્મ દિવસ છે. તેમને યાદ કરવાનું ગૌરવ હંમેશા સુરતીઓ અનુભવે છે. દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટીને કવિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરીકે નામ આપવામાં આવ્યું તેમ જ શહેરની સૌથી મોટી લાઈબ્રેરી અને નર્મદ લાઇબ્રેરી નું નામ આપવામાં આવ્યું છે. જે એમનો એક પ્રકારનો ઋણ સ્વીકાર સુરતીઓ અને સમગ્ર દિક્ષણ ગુજરાત કરતો હોય તેવી ગર્વની લાગણી થાય છે.