
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 ઓગષ્ટના રોજ ગુજરાતના લોકોને અનેક ભેટ આપશે. વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સોમનાથ મંદિરમાં 5 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ સોમનાથ મંદિરમાં પાર્વતી મંદિરનો શિલાન્યાસ પણ કરશે. આ મંદિર 30 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
પાર્વતી મંદિરનું ગર્ભગૃહ 380 સ્ક્વેર મીટરનું હશે. મંદિરનો નૃત્ય મંડપ 1,250 સ્ક્વેર મીટરનો હશે. આ મંદિરને સોમપુરા સલાત શૈલીમાં બનાવવામાં આવશે.
અહિલ્યાબાઈ મંદિરનો જીર્ણોદ્ધાર
મંદિરના શિલાન્યાસની સાથે વડાપ્રધાન સોમનાથ મંદિર પરિસરમાં બનાવવામાં આવેલ રિસોર્ટનું પણ લોકાર્પણ કરશે. સોમનાથ મંદિરની બાજુમાં જ આવેલા અહિલ્યાબાઈ મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને વડાપ્રધાન તે મંદિરને પણ દેશને સમર્પિત કરશે. આ મંદિરના પુનર્વિકાસ માટે 3.5 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે. ઈંદોરના રાણી અહિલ્યાબાઈ દ્વારા તે મંદિર બનાવવામાં આવ્યું હતું. બાદમાં તે ખંડેરમાં ફેરવાઈ ગયું હતું. તીર્થયાત્રીઓની સુરક્ષાની સાથે-સાથે તેની ક્ષમતા વધારવા માટે સંપૂર્ણ જૂના મંદિર પરિસરનો સંપૂર્ણપણે પુનર્વિકાસ કરવામાં આવ્યો છે.
મંદિરની પાછળ વૉક વે બન્યો
અરબ સાગરના કિનારે સોમનાથ મંદિરની તદ્દન પાછળ દરિયા અને સોમનાથ મંદિર વચ્ચે 45 કરોડ રૂપિયાના ખર્ચે સવા કિમી લાંબો વૉક વે તૈયાર કરવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં જ દેવી પાર્વતીના મંદિરનું ભૂમિ પૂજન થશે જે વડાપ્રધાન મોદી કરશે. ત્યાં સંગેમરમરનું પાર્વતી મંદિર બનાવવામાં આવશે. સોમનાથના રામ મંદિર ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. તે સિવાય વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી સામેલ થશે.
કેશુભાઈ પટેલના અવસાન બાદ ટ્રસ્ટી મંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવ્યા છે.