
સુરત: સુરત મનપા દ્વારા રોડ પરના દબાણોની સમસ્યા હલ કરવા રોડ પર ટ્રાફિકના પ્રશ્નને ટાળવા શાકભાજી વેચતા ફેરીયાઓ માટે તમામ ઝોનમાં શાક માર્કેટ બનાવવામાં આવ્યા છે.કતારગામ શિવ દર્શન સોસાયટી પાસે આવેલું શાક માર્કેટ બની ગયા છતાં તેનો ઉપયોગ થતો નથી. શાકભાજી વેચનાર ફેરિયાઓની જગ્યાએ અહીં મજૂરો રહેતા જોવા મળ્યા રહ્યાં છે. કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં અધિકારીઓની લાપરવાહીને પગલે આવા માર્કેટનો ઉપયોગ થતો નથી. જેથી અહીં અસામાજિક તત્વો મોટી સંખ્યામાં આવે જાય છે. સાથે જ દારૂ,ગાંજાની મહેફિલો પણ લાગે છે

ગાંજા જુગાર દારૂ જેવી અનૈતિક પ્રવૃતિઓથી સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. માર્કેટમાં અસહ્ય ગંદકી જોવા મળી રહી છે. સ્વચ્છ સુરતમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યાં છે.લલિતા પાર્ક સોસાયટીના રહીશોએ જણાવ્યું કે, અહીં શાકમાર્કેટમાં રોજ દારૂ, જુગાર, ગાંજો પીવાય છે.અસામાજિક તત્વો જોર શોરથી ગાળા-ગાળી કરતા જોવા મળે છે. અમારે અહીં રહેવું કેવી રીતે? અધિકારીઓ કોઈ પણ આ શાક માર્કેટમાં આવતા નથી.
શાક માર્કેટમાં અસામાજિક પ્રવૃતિઓ ધમધમી રહી છે. દારૂ, જુગાર, ગાંજાનું સેવન અહીં રોજ થાય છે. અસામાજિક તત્વો બેફામ બની રોજ રાત્રે મહેફિલો કરી રહ્યાં છે. વોર્ડ નંબર 7ના નગર સેવક નરેંદ્ર પાંડવને જાણ થતાં તેઓ પણ આ માર્કેટમાં પહોંચ્યા હતા. કતારગામ ઝોનના જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરાઈ છે. તાત્કાલિક આ માર્કેટ શરૂ કરવા જણાવાયું છે. સમગ્ર મામલે ફરિયાદ કરાતાં કતારગામ ઝોન ના અધિકારીઓ દોડતા થયાં છે.