
સુરત સહિત ગુજરાતમાં ભાજપની જન આર્શિવાદ યાત્રામાં હજારો લોકોની ભીડ ભેગી થયાં બાદ આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ માટે ગણેશ ભક્તોએ મંજુરી માટે સોશ્યલ મિડિયામાં અભિયાન શરૃ કરી દીધું છે. જો ભાજપની રેલીમાં હજારો લોકો જોડાતા હોય અને કોરોના સંક્રમણ ન થતું હોય તો ગણેશ ઉત્સવની ઉજવણી અને ગણેશ વિસર્જન માટે યાત્રાની મજુરી સરકારે આપવી જોઈએ તવી માગણી થઈ રહી છે. આગામી દિવસોમાં આ માગણી વધુ આક્રમક બનશે અને સરકારે મંજુરી આપવી પડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
સુરત સહિત ગુજરાતમાં ભાજપની જન આશિવાદ યાત્રા આગામી દિવસોમાં ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે તેમ છે. કેન્દ્રીય રેલ અને કાપડી મંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોશની આગેવાનીમાં સુરતમાં જન આર્શિવાદ યાત્રા નિકળી હતી જેમાં હજારો લોકો જોડાયા હતા. આ રેલીમાં મોટા ભાગના લોકએ માસ્ક કે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કર્યું ન હતું જેના કારણે વિવાદ ઉભો થયો છે. રાજકારણીઓની યાત્રાને મંજુરી મળતી હોય અને સંક્રમણ ન ફેલાતું હોય તો ધાર્મિક યાત્રા માટે મંજુરી આપવી જોઈએ તેવી ઉગ્ર માગણી થઈ રહી છે.
ભાજપની યાત્રા બાદ સોશ્યલ મિડિયામાં ગણેશ ભક્તોએ ગણેશ વિસર્જનની મજુરીની માગણી શરૃ કરી છે. સોશ્યલ મિડિયામાં એવી પોસ્ટ વાઈરલ થઈ રહી છે કે, જો રાજકારણીઓને રેલી કાઢવા માટે પરવાનગી મળતી હોય તો ગણેશ આગમન અને વિસર્જન માટે પણ પરવાનગી આપવી જોઈએ. આ માગણી સાથે સંમત હોય તો ગણેશ ભક્તો આ પોસ્ટ સાથે રાજકારણીઓની રેલીના ફોટા ફોરવર્ડ કરે તેવું કહેવાય રહ્યું છે.
બે દિવસ પહેલાં દશામાના તહેવારમાં વિસર્જન માટે તંત્રએ મજુરી આપી ન હતી અને તાપી નદીના ઓવારા સીલ કરી દેવાયા હતા. તંત્રએ લોકોને ઘરે વિસર્જન કરવા માટે અપીલ કરી હતી પરંતુ હજારો લોકોએ તાપી નદીના કિનારે દશામાની પ્રતિમા મુકીને જતાં રહ્યાં હતા તેના કારણે લોકોની લાગણી દુભાઈ હતી. આવા દ્રષ્યો ગણેશ ઉત્સવ વખતે પણ જોવા મળે તેવી ભીતી છે. દશામાના તહેવારમાં જે સ્થિતિ થઈ તે ફરી ન થાય તે માટે ગણેશ ભક્તોએ ભાજપની યાત્રાને આગળ કરીને ગણેશ ઉત્સવ માટેની મંજુરી માગી રહ્યાં છે જેના કારણે આગામી દિવસોમાં તંત્ર મુશ્ક્લીમાં મુકાઈ શકે અને વિવાદ થાય તેવી શક્યતા છે.