
જોડિયા: ગઢવી પરિવાર સહિત અઢારેય વરણના આસ્થાના અખુટ સાગર સમાન જાંબુડા ગામે આવેલ ચાપ બાઈ માતાજીના મંદિરમાં વીસેક વર્ષથી મોરના મીઠા ટહુકા બાદ જ માતાજીની આરતીના નગારે ઘા પડે છે. ઝાલર રણકે અને ધુપેડો ફરે છે.
સૌરાષ્ટ્રની ભોમકા પર જાંબુડા ગામે ગઢવી પરિવારના માતાજી તરીકે પૂજાતા ચાપ બાઈ માતાજીનું મંદિર છે. આ અનોખા મંદિરમાં છેલ્લા વીસેક વર્ષથી માતાજીના મંદિરની ધ્વજા ઉપર દરરોજ મોર પક્ષી સાંજના સમયે અને વહેલી સવારે માતાજીની આરતીના સમય થાય ત્યારે મંદીરમાં પોતાની નિશ્ર્વિત જગ્યા પર આવી બેસે છે. ત્યારબાદ મોરનો મધુર કેકારવ ટહુકો કરવામાં આવે છે ત્યારે બાદ તરત જ માતાજીના મંદિરના પૂજારી ધ્વારા માતાજીની આરતી કરવાની શરૂ થાય છે. રોજ સવારે પણ માતાજીની આરતીમાં પણ હાજરી આપે છે આ ઉપરાંત માણસો સાથે આત્મિયતાથી હળીમળી રહેતો હતો.
ગત વર્ષે ચોમાસુ દરમ્યાન ગાજવીજ કડાકા ભડાકા વચ્ચે આકાશી વીજળી મંદિર ઉપર પડી હતી તે સમયે ત્યાં મંદિરની ધ્વજા ઉપર બેઠેલો મોર ઉપર પડતા મોરનું મોત થયુ હતું. આ અંગે ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને મોરની અંતિમ વિધી અંગે જણાવ્યું હતું. ત્યારબાદ મોરની ચંદનના લાકડા અને શુદ્ધ ઘી સાથે મોરની અંતિમ વિધિ કરવામાં આવી હતી. તેમના અગિયાર દિવસ બાદ ગ્રામજનોએ બધા સાથે મળીને ગામના તમામ બાળકોનું બટુક ભોજન પણ કરીને મોરને અંતિમ સંસ્કાર અને વિધિવત કાર્યક્રમ કર્યો હતો. જે દિવસે મોરે અંતિમ શ્ર્વાસ લીધો હતો. ત્યારે જ તરત જ તે જગ્યાએ બીજો મોર ત્યાં આવીને બેસી ગયો હતો અને એ મોર હાલમાં પણ ત્યાં જ જે પહેલા મોરની જેમ જ બધાની સાથે હળીમળીને રહે છે.