
સુરતમાં છેલ્લા ઘણા સમયથી પાણીજન્ય રોગો માથુ ઉંચકી રહ્યા છે જો કે તંત્ર હાલ ઉંઘમાં હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે એ.કે. રોડ પર ગંદુ પાણી પિવાથી અનેકને ઝાડા ઉલ્ટી થતા હોસ્પિટલે ખસેડાયા છે જો કે તંત્ર આ મામલે નિષ્ક્રિય હોય તેમ લાગી રહ્યું છે.
સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસી શહેરને સ્વચ્છ રાખી રહ્યા છે કારણ કે શહેરના સ્લમ વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. ત્યારે હાલમાં ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો માથુ ઉંચકી રહ્યું છે. હાલ અશ્વનિકુમાર વિસ્તારની અશ્વનિકુમાર ત્રણ પાનના વડની બાજુમાં આવેલા શિવ કોમ્પલેક્ષમાં 15 દિવસથી પાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી ખૂબ જ ગંદુ આવતા અનેક લોકો બીમાર પડ્યા છે. 35 ફ્લેટની સોસાયટીમાંથી 8 ફ્લેટમાં 15થી વધુ લોકોમાં ઝાડા-ઊલટી અને પેટમાં દુખાવાના કેસ જોવા મળ્યા છે.
સોસાયટીના અગ્રણી વિનોદ તળાવિયાએ જણાવ્યું હતું કે, ઘણા દિવસથી પીવાનું પાણી ખૂબ જ ખરાબ આવે છે. માત્ર અમારી એક જ સોસાયટી નહીં પરંતુ પુષ્પક સોસાયટી, શારદા વિહાર સોસાયટી સહિત નજીકની 10 સોસાયટીઓમાં આ સમસ્યા છે. પાલિકામાં વારંવાર રજૂઆત કર્યા પછી આજે પાણીના ટેન્કરો મોકલવામાં આવ્યા હતા. તે છતાં ગંદા પાણીની સમસ્યાની ઉકેલવા કોઇ પ્રયત્ન હાથ ધરાયા નથી.