
જામનગર શહેર અને જિલ્લામાં આખરે ભાદરવો ભરપૂર બન્યો છે. અને મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. સમગ્ર જિલ્લામાં 4 થી 15 ઇંચ જેટલો ભારે વરસાદ પડી જતા ચોમેર પાણી ફરી વળ્યા છે. ઉપરાંત કાલાવડ અને જામનગર ગ્રામ્ય પંથકના અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. ભારે વરસાદના કારણે જામનગર-રાજકોટ રોડ અને કાલાવડ રોડ અવર-જવર માટે બંધ થઈ ગયા છે. જેથી જામનગરનો સંપર્ક તુટ્યો છે. ઉપરાંત જામનગર શહેરના અનેક વિસ્તારો રણજીત સાગરના ઓવરફ્લો થયેલા પાણીના કારણે ડૂબમાં આવી ગયા છે, અને બચાવ તથા રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી છે.
સમગ્ર જિલ્લામાં રવિવારે મેઘરાજાએ હેત વરસાવ્યું છે, ત્યાર પછી સોમવારે સવારે પણ બારે મેઘ ખાંગા થયા હતા, અને છેલ્લા 24 કલાક દરમિયાન 4થી 15 ઇંચ જેટલો સાર્વત્રિક ભારે વરસાદ પડી ગયો છે. જેના કારણે જિલ્લાના અનેક જળાશયોમાં ઓવરફ્લો થઇ ગયા છે. ખાસ કરીને કાલાવાડ પંથકના ગ્રામ્ય વિસ્તારોની હાલત ખૂબ જ દયનીય છે. અને અનેક ગામો પાણીમાં ડૂબ્યા છે. જામનગર તાલુકાના અનેક ગામો પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. અને તમામ મામલતદારની ટીમો કામગીરીમાં જોડાઇ છે.
આજે સવાર સુધીના સમયગાળા દરમિયાન જામનગર શહેરમાં 83 મીમી (સાડા ત્રણ ઇંચ) જેટલું પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે વરસાદ રહી ગયો હોવાથી પાણી ઓશરી રહ્યા છે.
જામનગર શહેર ઉપરાંત કાલાવડમાં 24 દરમિયાન 424 મી.મી. (13 ઇંચ) જામજોધપુરમાં 75 મી.મી., જોડીયામાં 140મીમી., ધ્રોલમાં 165 મી.મી. જ્યારે લાલપુરમાં 43 મી.મી. વરસાદ નોંધાયો હતો.
ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ 4થી 15 ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. જામનગર શહેરને પાણી પૂરું પાડતા જળાશયો સિવાયના જામનગર જિલ્લાના 11થી વધુ જળાશયો ઓવર ફલો થયા હોવાથી 50થી વધુ ગામો પ્રભાવિત થયા છે.