
કપરાડાના દાબખલ ગામે બોગસ ડોકટર દુકાન ચલાવતો કેમેરામાં ઝડપાઇ આવ્યો હતો
વલસાડ આરોગ્ય વિભાગે પોલીસની મદદથી ધરમપુર અને કપરાડા તાલુકામાં ભોળી ભાળી પ્રજાના આરોગ્ય સાથે સરેઆમ ચેડાં કરતા કેટલાક ઝોલાછાપ ડોકટરોને ત્યાં એક સપ્તાહ અગાઉ રેડ કરી હતી જેમાં બે ઝોલા છાપ ડોકટરો 26 હજારના મુદ્દામાલ સાથે ઝડપાઇ આવ્યા હતા તંત્ર દ્વારા તપાસ થઈ રહ્યાની વાત જાણી વિસ્તારમાં કાર્યરત રહેલા અનેકો ઝોલાછાપ ડોકટરો પોતપોતાની દુકાનો બંધ કરી પલાયન થઈ ગયા ઝડપાઇ આવેલા બન્ને ઝોલાછાપ ડોકટરો સામે ધરમપુર પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી જે બાદ ઝોલા છાપ ડોકટરો જામીન પર મુક્ત થઈ ગયા હતા આ બન્ને ડોકટરો ઝડપાયા તે અગાઉ પણ અહીંથી અનેક વાર તંત્રે ઝોલા છાપ ડોકટરોને ઝાડપી પાડી કાર્યવાહી કરી છે .તંત્ર ઝોલા છાપ ડોકટરોને ઝડપી પાડી કાર્યવાહી કરે છે છતાંપણ આદિવાસી પટ્ટી ધરાવતા ધરમપુર અને કપરાડા વિસ્તારમાં ઝોલાછાપ ડોકટરો માં સતત વધારો થઈ રહ્યો છે.
જ્યારે અધિકારીઓની તપાસ આવે ત્યારે વિસ્તારના ઝોલાછાપ ડોકટરો દુકાનો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી જાય છે અને તપાસ માં આવેલ અધિકારીઓના જતાની સાથે જ ઝોલાછાપ ડોકટરો પોતપોતાની દુકાનો ખોલી કાર્યરત થઈ જતા હોય છે
ઈમાનદારી થી વિચારીએ તો આ ઝોલા છાપ ડોકટરો સરકારી કાયદાનો મજાક બનાવી દીધો છે છતાં તંત્ર સબ સલામતના બણગાં ફૂંકી સરકારને ગુમરાહ કરી રહ્યું છે કેટલાક ઝોલાછાપ ડોકટરો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં જ સરેઆમ દુકાનો ચાલવી રહ્યા છે !
આશ્ચર્યની વાત એ છે કે તંત્ર જયારે બોગસ ડોકટરોની તપાસ આચરે છે ત્યારે વિસ્તારના ઉચ્ચ પદાધિકારીઓની ટીમ બોગસ ડોકટરોને બચાવવા કાર્યરત થઈ જતી હોય છે અને સ્થાનિકતંત્રની રહેમરાહે કોઈપણ જાતની ડીગ્રી વગર ઝડપાઇ આવેલ ઝોલાછાપ ડોકટરો ફરીથી સક્રિય થઈ જતા હોય છે.
ઝોલાછાપ ડોકટરોની ચકાસણી અમારી ફરજમાં આવતી નથી ! : જિલ્લા આરોગ્ય અધિકારી
વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી અનીલ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓ તેમના ફરજ વિસ્તારમાં કાર્યરત કોઈ પણ ડોકટરની ચકાસણી કરી શકે તેવો કોઈ કાયદો સરકારે લાગુ કર્યો નથી જેને કારણે વિસ્તારમાં કોણ ડોકટર ઝોલાછાપ છે અને કોણ ડોકટર કાયદેસર છે તેની ખબર પડતી નથી છતાંપણ જ્યારે ઝોલાછાપ ડોકટરોની માહિતી મળે છે ત્યારે પોલીસની મદદથી તેમને પકડાવી દેવાની કામગીરી કરાતી હોય છે
ઝોલાછાપ ડોકટરો પર બિનજામીનપાત્ર ગુનો નોંધાવો જોઈએ : ડૉ નિરવ ભુલાભાઇ પટેલ પ્રેસિડેન્ટ, ઇન્ડિયન મેડિકલ એસોશિએશન, વલસાડ.
ધરમપુર કપરાડા તાલુકાના આદિવાસી બાહુલ્ય આંતરિયાળ વિસ્તારોમાં સ્થાનિક તંત્રની રહેમરાહે ઝોલાછાપ ઊંટવૈદોની સંખ્યામાં દિવસે દિવસે સતત વધારો થઇ રહ્યો છે અહીં બોગસ ડોકટરોની પ્રેક્ટિસ ભલીભોળી ગરીબ પ્રજા માટે જીવલેણ સાબિત થશે
લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા આવા નરાધમોને કડકમાં કડક સજા મળતી થાય અને તેવો જેલના સળિયા પાછળ ધકેલાય તેમજ તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર ગુનો નોંધાય તો જ આ ઝોલાછાપ ડોકટરો લોકોની જિંદગીઓ સાથે ચેડાં કરતા બઁધ થશે