
કલમ 370 દૂર કરાયા બાદ પહેલી વખત પીએમ મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે જવાના છે.24 એપ્રિલે તેઓ રાજ્યની મુલાાકત લેશે અને સાંબામાં સ્થાનિક લોક પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે.
શક્ય છે કે, પીએમ મોદી કાસ્મીરી પંડિતોને પણ મળે.જેથી કરીને તેમને કાશ્મીર ખીણમાં પાછા ફરવામાં શું સમસ્યા નડી રહી છે તેની જાણકારી મળે.
કેન્દ્ર સરકારે રાજ્યમાં સીમાંકનની કામગીરી પૂરી થાય તે બાદ તરત ચૂંટણી કરાવવાનો પણ વાયદો કર્યો છે. જે સંદર્ભમાં પીએમ મોદીની આ મુલાકાત મહત્વપૂર્ણ મનાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની મોદી સરકારે કાશ્મીરમાં આતંકીઓ સામે પણ કડક હાથે કામ લેવાનુ વલણ અપનાવ્યુ છે અને 2019માં કલમ 370 દૂર કર્યા બાદ સુરક્ષાદળોને સરકારે આતંકીઓ સામે વધારે આકરૂ વલણ અપનાવવાના આદેશ આપેલા છે.
હાલમાં રાજ્યમાં સીમાંકનની કામગીરી પણ અંતિમ તબક્કામાં છે. સરકારના પ્રસ્તાવ પ્રમાણે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં બેઠકોની સંખ્યા 90 કરવાનો પ્રસ્તાવ છે. જેમાં 47 બેઠકો કાશ્મીર અને 43 બેઠકો જમ્મુ ક્ષેત્રમાં હશે. આમ કુલ સાત બેઠકોનો વધારો થશે.
હાલમાં પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર સહિત રાજ્યમાં 107 બેઠકો છે. જે વધારીને 114 કરવાનો પ્રસ્તાવ છે. જોકે જમ્મુ કાશ્મીરના સીમાંકનના પ્રસ્તાવ સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવેલી છે.
ભાજપના જમ્મુ કાશ્મીરના મહાસચિવ અશોક કૌલનુ કહેવુ છે કે, પીએમ મોદી અને કાશ્મીરી પંડિતોના પ્રતિનિધિઓ વચ્ચે એક બેઠક યોજાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.