
અમેરિકાએ ચીન મુદ્દે ભારતને ચેતવણી આપી છે. એક વરિષ્ઠ અમેરિકી જનરલ ચાર્લ્સ એ ફ્લિને જણાવ્યું હતું કે, ‘લદ્દાખમાં ચીનની ગતિવિધીઓ શંકાસ્પદ અને આંખો ખોલનારી છે.’ ચીને કંઈક એવુ માળખું તૈયાર કર્યું છે જે ભારત માટે ખતરાની ઘંટડી બની શકે છે. ચીનની ગતિવિધિઓનું આ સ્તર ભારત માટે વોર્નિંગ એલાર્મ છે. તેમણે હિમાલય ક્ષેત્રમાં ચીન તરફથી કરવામાં આવી રહેલા નિર્માણ કાર્યો વિશે જણાવતા કહ્યું કે, ‘ચીન સતત અંદરની તરફ સડકો બનાવીને આગળ વધી રહ્યું છે.’ ચીનની આ વર્તણૂકને તેમણે ‘અસ્થિર કરવાનો અને સંબંધોને નુકસાન પહોંચાડનારો પ્રયત્ન’ ગણાવી છે. એશિયા-પેસિફિક મહાસાગરની દેખરેખ રાખનારા આ જનરલે કહ્યું હતું કે, ‘પશ્ચિમી થિયેટર કમાંડમાં તમામ લશ્કરી સાધનો સાથે થતા કેટલાક નિર્માણ કાર્યો ભયનજક છે.’ કોઈકે તો પ્રશ્ન પુછવો જ પડશે કે ચીન આવું કેમ કરે છે?
અમેરિકી જનરલે આગળ જણાવ્યું હતું કે, ‘મારૂં માનવું છે કે ચીનના નુકસાનકારક અને ભ્રષ્ટ વ્યવહારનો સામનો કરવા માટે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ.’ ભારત અને અમેરિકા આ ઓક્ટોબરમાં ‘યુદ્ધાભ્યાસ’ દરમિયાન હાઈ એલ્ટિટ્યુડ કોમ્બેટ ટ્રેઈનિંગ મિશન કરવા જઈ રહ્યા છે. આ કવાયત હિમાલય ક્ષેત્રમાં 9,000-10,000 ફૂટની ઉંચાઈ ઉપર કરવામાં આવશે. જો કે, હજુ સુધી તેનું સ્થાન નક્કી નથી થયું. ભારતીય દળો પણ આવી જ રીતે અલાસ્કામાં અત્યંત ઠંડા વાતાવરણમાં લડવા માટેની પ્રેક્ટિસ કરશે.
આ પ્રવૃતિનો ઉદ્દેશ્ય ઉંચાઈ પરના યુદ્ધમાં અત્યંત ઉચ્ચ સ્તરીય જોઈન્ટ ઓપરેશનની તૈયારી કરવાનો છે. જેમાં નવી ટેક્નોલોજીની કવાયતો, વાયુસેનાના સંસાધનો, ફાઈટર વિમાન, લોજિસ્ટિક્સ અને રીયલ ટાઈમમાં માહિતીનું આદાન-પ્રદાન કરવાનો અભ્યાસ સામેલ છે. ફ્લિને જણાવ્યું કે, આ ભારતીય સેના અને અમેરિકી સેના માટે અમૂલ્ય તક છે જેનો તેઓ ફાયદો ઉઠાવી શકે છે.
ચીન પેંગોગ ઝીલ પાસે પુલોનું નિર્માણ કરી રહ્યું છે. આ ખૂબ જ અગત્યનું બાંધકામ છે જેનું ભારતીય સેના માટે ખૂબ જ મહત્વ છે. ભારતીય સેના આ વિસ્તારમાં મોટી સંખ્યામાં તૈનાત છે.
આ વિસ્તારમાં ચીન દ્વારા એર સ્ટ્રીપ્સ અને રોડ ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માણમાં ઝડપ નોંધાઈ છે જેના કારણે ભારતને હિમાલયના વિસ્તારોમાં ચીન તરફથી સીધો પડકાર મળી શકે છે.
લદ્દાખમાં તણાવને પગલે ભારત અને ચીન વચ્ચે 12થી વધુ વખત સૈન્ય વાતચીત થઈ ચુકી છે. ચીને લદ્દાખમાં બનાવેલા ઘણા વિસ્તારોમાંથી પીછેહઠ નથી કરી. ઉલ્લેખનીય છે કે, ચીને LAC (Line Of Actual Control) પાર કર્યા બાદ આ વિસ્તારોને ગેરકાયદેસર રીતે હડપી લીધા છે.