
સુરતમાં સિટી બસ ચાલકોની બેદરકારીને કારણે અકસ્માતોમાં દિવસે દિવસે વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે વેડ રોડ વિસ્તારમાં સીટી બસમાંથી ઉતરતી મહિલા તેના બાળક સાથે રસ્તા પર પટકાઈ હતી. મહિલા બસમાંથી ઉતરે તે પહેલા જ ડ્રાઇવરે બસ ભગાવી મૂકતા મહિલા બાળક સાથે પટકાતા તેને ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
ડ્રાઇવરે અચાનક બસ ચાલુ કરી દીધી
ઇજાગ્રસ્ત મનીષાબેને જણાવ્યું હતું કે, હું મારા બાળક સાથે 254 નંબરની બસમાં મુસાફરી કરીને નીચે ઉતરી રહી હતી. તે દરમિયાન જ અચાનક બસ શરૂ થઈ ગઈ હતી. જેથી મારું સંતુલન બગડી ગયું અને હું બાળક સાથે રસ્તા પર પટકાઈ ગઈ જેથી મને ઇજાઓ પહોંચી છે.
મુસાફર મંજુબેનને જણાવ્યું હતું કે, ડ્રાઇવર દ્વારા ભૂલ કરવામાં આવી છે. દરવાજો અચાનક ક્યારેક ખોલી નાખવામાં આવતો હોય છે. તો ક્યારેક આ રીતે લોકો બસમાંથી ઉતરે તે પહેલા જ બસ હંકારી મૂકવાની ઘટનાઓ અવારનવાર બને છે. આ મહિલા અને તેના છોકરા બંને નીતે પડી જતા ઈજા પહોંચી છે. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડ્રાઇવરો દ્વારા અવારનવાર થતી બેદરકારી સામે પગલાં લેવા જોઈએ.