
ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
હરિયાણા, તા. 08 જુલાઈ 2023, શનિવાર
હરિયાણાના જીંદ જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં બસ અને ક્રૂઝર વચ્ચે સામસામે અથડામણમાં 7 લોકોના મોત થઈ ગયા છે. તથા આ અકસ્માતમાં 25 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અકસ્માત ભિવાની રોડ પર બીબીપુર ગામ પાસે થયો હતો.
હરિયાણા રોડવેઝના કંડક્ટર પણ અકસ્માતમાં ઘાયલ થયા છે અને તેમને માથામાં ઈજા થઈ છે. તેમણે જણાવ્યું કે, ક્રૂઝર વાહન એક કારને ઓવરટેક કરી રહ્યું હતું. આ દરમિયાન તે બસ સાથે અથડાઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો. તેમણે જણાવ્યું કે બસમાં 15-20 મુસાફરો હતા જ્યારે ક્રૂઝરમાં 10 લોકો હતા.
અકસ્માત બાદ છ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ભિવાની રોડવેઝની બસ છે. આ ઘટનામાં ક્રૂઝરના પરચા ઉડી ગયા હતા અને મૃતદેહો વાહનની અંદર ફસાઈ ગયા હતા જેને ઘણી જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોની જીંદ જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ક્રૂઝરમાં સવાર લોકોના મોત થયા છે. આમાં કેટલાક બાળકો પણ સામેલ છે.