
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી ૧૬મી ફેબ્રુઆરી, ૨૦૨5 ના રોજ ૬૬માં સમૂહલગ્નોત્સવ યોજવા નક્કી થયેલ છે. સમુહલગ્ન પ્રવૃતિના માધ્યમથી સામાજિક જાગૃતિ અને સામાજિક ક્રાંતિનું નોંધનીય કાર્ય કરનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ૧૯૮૩ થી નિયમિત સમૂહલગ્નોત્સવનું આયોજન કરે છે. સૌરાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામાં લોકો સુરત રોજગારી માટે આવ્યા ત્યારે વર્ષો પહેલા તેમને સંગઠિત કરવા અને લગ્ન પાછળ ખોટા ખર્ચ ન થાય તે માટે સામાજિક જાગૃતિના ઉદેશથી સમૂહલગ્નોત્સવની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે.
બાંધકામક્ષેત્રની અગ્રણી કંપની ભક્તિ ડેવલોપર્સવાળા શ્રી રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા તથા અલ્પેશભાઈ રમેશભાઈ ગજેરા પરિવાર તરફથી આગામી ૬૬માં સમૂહલગ્નોત્સવનું સૌજન્ય પ્રાપ્ત થયુ છે. ૧૦૦ દીકરીઓને પરણાવવાનો સંકલ્પ કર્યો છે. સંવત ૨૦૮૧ મહા વદ-૪ તા.૧૬/૦૨/૨૦૨5, રવિવારના રોજ લગ્નમુહૂર્ત લેવાયું છે. આગામી સમુહલગ્નોત્સવ પર્યાવરણ જાગૃતિ અને આર્થિક સમજણને કેન્દ્રમાં રાખી આયોજન કરવા નિર્ણય લેવાયો છે.
૧૬મી ફેબ્રુઆરી, ૨૦૨5 ના રોજ યોજનાર ૬૬માં સમુહલગ્નોત્સવમાં જોડાવા માટે વર-કન્યાના નામની નોંધણી શરૂ કરવામાં આવી છે. વહેલા તે પહેલાના ધોરણે ૧૦૧ યુગલોના નામ નોંધાશે. લગ્નગ્રંથીથી જોડાનાર વર-કન્યાના થેલેસેમીયા રીપોર્ટ કરાવવાના રહેશે. વર્તમાન સમયે પ્રસંગો પાછળ ખોટા ખર્ચ ઓછા કરી તેમાંથી થયેલ બચત કન્યાને મૂડી તરીકે આપવા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. વર્તમાન સમયે પર્યાવરણ જાગૃતિની પણ જરૂર છે. પ્રકૃતિને સાચવવાની માણસ તરીકેની આપણી ફરજ છે ત્યારે, સમૂહ લગ્નોત્સવ નિમિત્તે હજારો વૃક્ષ રોપવામાં આવે. જળ, વાયુ અને જમીનને પ્રદૂષિત થતી અટકાવવા લગ્ન પ્રસંગે દરેક પરિવાર સંકલ્પ કરે તે માટે અત્યારથી આયોજન શરૂ કરવામાં આવેલ છે.