
સુરતમાં હંમેશા વિશેષ રાષ્ટ્રીય ભાવના ધબકતી રહી છે. આગામી કારગીલ વિજયદિને સુરતની કલા પ્રતિષ્ઠાનના ૨૫ કલાકારો તરફથી વિર જવાનોની અનોખી ક્લાંજલી આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કારગીલ યુદ્ધ ૧૯૯૯ ને ૨૫ વર્ષ થયા છે. કારગીલ વિજય રજત જયંતી નિમિતે કલાપ્રતિષ્ઠાન સંસ્થાના ૨૫ ચિત્રકારોએ ૨૫ મોટા પેઈન્ટિંગ્સ તૈયાર કર્યો છે. જે વ્યક્તિ વિર જવાનોના પરિવારોને આપવા માટે જય જવાન નાગરિક સમિતિ સુરતને રૂપિયા ૧ લાખનું દાન આપશે. તેમને સુંદર પેઈન્ટિંગ્સ ભેટ આપવામાં આવનાર છે. આ રીતે રૂપિયા ૨૫ લાખનું ફંડ વિર જવાનોના પરિવાર માટે એકત્ર કરી વિર જવાનોને ક્લાંજલી અર્પણ થશે.

કલાપ્રતિષ્ઠાનના શ્રી રમણીકભાઈ ઝાપડિયા એ જણાવ્યું હતું કે, જય જવાન નાગરિક સમિતિ સુરત છેલ્લા ૨૫ વર્ષથી વિર જવાનોના પરિવારોને પુરા સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરે છે. ત્યારે હવે આર્ટ-શિલ્પના કલાકાર મિત્રો પણ તેના કૌશલ્યથી રાષ્ટ્રપ્રેમભરી ક્લાંજલી અર્પણ કરવાનો નમ્ર પ્રયાસ છે. ગત વર્ષે કારગીલ હિલના બે પેન્ટિંગ્સના રૂપિયા ૧૩.૫૦ લાખ એકત્ર થયા હતા. આ વર્ષે કારગીલ વિજયના ૨૫ વર્ષ થયા તે નિમિતે અમો રૂપિયા ૨૫ લાખ પેઈન્ટિંગ્સ આપી એકત્ર કરવાનો સંકલ્પ છે. શહેરના નામાંકિત ચિત્રકારોએ ૨૫ પેઈન્ટિંગ્સ તૈયાર કરી દીધા છે જે ૨૬મી જુલાઈએ પ્રદર્શનમાં મુકાશે અને દાતાશ્રીઓને રાષ્ટ્રપ્રેમના કાર્ય માટે અપીલ કરવામાં આવશે.

લાઈવ સ્ક્રેચ દોરી રકમ એકત્ર કરાશે
તા. ૨૬-૦૭-૨૪ શુક્રવારે કારગીલ વિજય દિને સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે કલા પ્રતિષ્ઠાન સંસ્થાના ૩૦ જેટલા ચિત્રકારો લોકોના વિનામુલ્યે લાઈવ સ્ક્રેચ દોરશે અને જે તે વ્યક્તિ તેની ઈચ્છા મુજબ બોક્ષમાં રકમ મુકશે. આ એકત્ર થયેલી રકમ વિર જવાનોના પરિવારો માટે આપવામાં આપનાર છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો જય જવાન નાગરિક સમિતિ સુરત ૯૯૦૯૧૮૮૨૨૨