સરળ જીવન સાથે માણસ ઈચ્છે તેટલી પ્રગતિ કરી શકે છે. જીવનમાં એવી ઈચ્છા જગાડવા અને હકારાત્મક અભિગમો કેળવવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા હેલ્થ,વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખીને દર ગુરૂવારે “વિચારોનું વાવેતર” કરવામાં આવે છે. જે અંતર્ગત આજે તા. ૧૯-૦૯-૨૦૨૪ ના રોજ વરાછા બેંક ઓડીટોરીયમ ખાતે ૭૯ મો થર્સ-ડે થોટ્સ કાર્યક્રમ યોજાયો. જેમાં સિમેન્ટ ક્ષેત્રે અગ્રણી કંપની ત્રિલોક પ્રિકાસ્ટ પ્રા. લિ. ના ડીરેક્ટરશ્રી પિયુષભાઈ છગનભાઈ શિંગાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આજે વિચારોના વાવેતરના પ્રેરક સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા વતી હાર્દિકભાઈ ચાંચડે નવો વિચાર રજુ કરતા જણાવ્યું હતું કે, માણસનો અભિગમ જ તેના સુખ-દુઃખનો આધાર બને છે. અભિગમ એટલે કોઈ બાબત, ઘટના કે પરિસ્થિતિને મુલવવાનું વલણ હકારાત્મક અભિગમ માણસના સર્વાંગી વિકાસ માટે મૂળભૂત આધારસ્તંભ છે. જેનાથી પારીવારીક, ધંધાકીય અને સામાજીક ક્ષેત્રે પણ પ્રગતિ કરી શકાય છે. ધૈર્યતાપૂર્વક દરેક નાના માઈલસ્ટોનને પાર કરી નક્કર પ્રગતિ સાધી શકાય છે.. જીવનમાં ફરીયાદ અને અફસોસ કરવાનું ટાળી હકારાત્મક ઉકેલ લાવવાના પ્રયત્નો કરવા જોઈએ. જે થાય તે સારા માટે થાય એવો અભિગમ જીવનમાં વ્યવહારિકતા વધારે છે. જીંદગી છે એક ગણિતનો દાખલો, એક આંકડો ખોટો તો, ખોટો આખો દાખલો.
નવો વિચાર રજુ કરતા વધુમાં જણાવ્યું હતું કે, અભિગમ જ વ્યક્તિની ખરી ઓળખ છે, જે જીવન અને પ્રગતિનો આધાર પણ છે. સરળતા, ધીરજ અને નવું શીખવું તે પોઝીટીવ એટીટ્યુડ રાખવાનું પ્રથમ પગલું છે. હકારાત્મક અભિગમ કેળવવા માટે ચાર દિશાઓનો ઉઘાડ પણ થયો હતો. પ્રથમ સ્વમુલ્યાંકન કરી પોતાની જાતને અપડેટ કરવી. દ્વિતીય સારા શ્રોતા બનવું. તૃતીય આપણે જે પરિસ્થિતિ બદલી નથી શકતા તેનો સહજ સ્વીકાર કરી જીવનમાં આગળ વધવું અને ચોથું નવું અવલોકન કરવાની શક્તિ ખીલવવી.
વિકસવા માટે આકાશ જેટલી વિશાળતા છે, સફળતા મેળવવાપોઝીટીવ એટીટ્યુડ કેળવવો જરૂરી છે. – પિયુષભાઈ શિંગાળા
ભારતના ૧૮ રાજ્યોમાં ૭૪ શહેરોમાં સિમેન્ટની ત્રિલોક પ્રીકાસ્ટ પ્રા.લી. ના ડીરેક્ટરએ વિકાસની દિશા સમજાવતા જણાવ્યું કે, “લોકલ થી ગ્લોબલ” સુધી વિકસવા માટે આકાશ જેટલી વિશાળતા અને તકો છુપાયેલી છે. એ તકોને ઓળખીને અલગ-અલગ સ્થળોએ પર્યટન કરીને નવી તકોનું સર્જન કરવાથી ધંધાને નવી દિશા મળે છે. સતત વિકાસશીલ રહેવા માટે પ્રવાસ ખેડવો જરૂરી છે. જેનાથી કંઈકને કંઈક નવી વસ્તુઓ તેમજ નવી ટેકનોલોજી શીખવા મળે, જે અભિગમ જ સફળતાના શિખરે પહોંચાડે છે. દરેક ધંધામાં ટકી રહેવા સતત અપડેટ રહેવું જરૂરી છે. નવું શીખતા રહેવાથી નોલેજ વધશે અને એનાથી ધંધામાં ઈમ્પ્રુવમેન્ટ આવશે. સાહસ કેળવવાથી સફળતા જરૂર મળે છે. કંઈક નવું અને વિશેષ કરવાનો અભિગમ જ પ્રગતિને વેગ આપે છે. સતત વિકાસશીલ વિચારો સાથે વિકાસની દિશા મળે છે.
વધુમાં જણાવ્યુ હતું કે, સરળ જીવન સાથે માણસ ઈચ્છે તેટલી પ્રગતિ કરી શકે છે. માત્ર વિકાસનો દ્રષ્ટીકોણ કેળવવાની જરૂર છે. ત્રિલોક પ્રિકાસ્ટ પ્રા. લિ. કંપની “Future Of Bharat” ની ટેગલાઈન સાથે વિકસીત ભારતના નવનિર્માણમાં હરણફાળો આપવા કટિબદ્ધ છે એવા વિકાસશીલ દ્રષ્ટીકોણ સાથે પિયુષભાઈ સરળતા, ધીરજ, ખંત અને સાહસીકતાના ગુણોને જીવનમાં ઉતારી પ્રગતિ કરી રહ્યા છે. તેમણે યુવા સાહસીક પેઢીને નિયમિત પ્રવાસ, એક્ષ્પો અને એકઝીબિશનમાં મુલાકાત લઈ ટેકનોલોજી સાથે અપડેટ રહેવું અને સતત શીખતા રહેવાની સલાહ આપી હતી.
વધુમાં યુવાટીમના ભાવેશભાઈ રફાળીયાએ કાર્યક્રમનું સંચાલન કરતા જણાવ્યું હતું કે, જીવનમાં ધીરજ રાખવાથી ધાર્યું થઈ શકે છે. સફળતા માટે સૂર્ય કરતા વહેલા ઉઠવું અને ઘોડાની દોડ કરતા વધારે ઝડપી દોડવું જરૂરી છે. સામાન્યમાંથી મહાન માણસ બન્યા પછી પણ માણસ સામાન્ય રહે તે બરકતની નિશાની છે. ગત ગુરુવારનો વિચાર અંકીતભાઈ બુટાણીએ રજુ કર્યો હતો. કાર્યક્રમ લાઇવ પ્રસારણ રીયલ નેટવર્કના અંકીતભાઈ સુરાણીએ કર્યું હતું. વ્યવસ્થા વરાછા બેંક સ્ટાફ તથા યુવાટીમે અને ઓફીસ ટીમે સંભાળી હતી.