
માત્ર મોટા વરાછામાં જ 24×7 પાણી સપ્લાય યોજના હેઠળ મીટર લગાવી મસમોટા બિલ વસૂલાતા આમ આદમી પાર્ટીની આગેવાનીમાં સુદામા ચોકથી બાઇક રેલી કાઢવામાં આવી હતી. રેલીના પગલે ઠેર ઠેર ટ્રાફિક જામ થયા હતા. પાલિકાએ 24×7 મીઠા પાણી સપ્લાય કરવાની યોજના અંતર્ગત સૌપ્રથમ મોટા વરાછામાં વૉટર મીટર બિલ પ્રત્યેક નળ કનેક્શન દીઠ ફિટ કરાયા છે. આ પાયલટ પ્રોજેક્ટ તબક્કાવાર અન્ય વિસ્તારોમાં પણ અમલી બનશે. જોકે મોટા વરાછાને વૉટર ઝોન જાહેર કરી દેવાયા બાદ મીટર પર પાણી વપરાશ પ્રમાણે બિલ વસુલાત શરૂ કરાઇ હતી.
આ અંગે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. મોટા વરાછા વોર્ડના કોર્પોરેટર રાજેશ મોરડીયાએ જણાવ્યું કે, વર્ષ 2013થી 24×7 પાણી સપ્લાય યોજના હેઠળ કામગીરી કરાઈ રહી છે. જોકે હાલ સુધીમાં માત્ર મોટા વરાછા ખાતે જ વૉટર મીટર ફિટ કરાયા છે તો સમગ્ર શહેરમાં ક્યારે આ યોજના અમલી બનશે. જ્યાં સુધી શહેરભરમાં મીટર ઇન્સ્ટોલ ન થઈ જાય ત્યાં સુધી મોટા વરાછાને બિલમાંતી મુક્તિ આપવી જોઈએ.