
લોકોની જાગૃતિ અને સુખકારી માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે હેલ્થ-વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરવામાં આવે છે. ૭૩માં થર્સ-ડે થોટ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા હોય તો જ નાગરીકો શાંતિથી જીવી શકે… કલ્પના કરો કે જ્યાં આપણે રહીએ છીએ તે શહેર, રાજ્ય કે દેશમાં કાયદો અને વ્યવસ્થા ન હોય તો લોકોની સ્થિતિ કેવી હોય? આ અહેસાસ દરેક નાગરીકોને હોવો જોઈએ.. તો કાયદાનું પાલન કરવાની પ્રેરણા મળે. જન્મના દાખલાથી મરણના દાખલા સુધીની યાત્રા એટલે માણસનું જીવન.. નિયમો, કાયદાઓ અને સભ્યતા માણસને સુરક્ષા, શાંતિ અને પ્રગતિકારક જીવન આપે છે. સરમુખત્યાશાહી, રાજાશાહી, લશ્કરીશાસન અને લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકશાહી શ્રેષ્ઠ વ્યવસ્થા છે. તેમણે વિચાર આપતા જણાવ્યું હતું કે, લોકશાહીના મૂળમાં કલ્યાણરાજ છે. જે વ્યવસ્થા માટે કાયદા ધડવામાં આવે છે. ભારત દુનિયામાં સૌથી મોટો લોકશાહી દેશ છે. વિવિધતામાં એકતા આપણી તાકાત છે. બંધારણ લોકશાહીનો પ્રાણ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બંધારણે આપણને મૂળભૂત અધિકારોની સાથે પ્રાથમિક ફરજો પણ આપી છે. કાયદાઓ નાગરીકો માટે બને છે. અને ઘડનારા પણ દેશના નાગરીકો છે. અને નાગરીકો જ તેનું પાલન કરાવે છે ત્યારે ઘણી મર્યાદાઓ પણ હોઈ શકે પરંતુ, સારૂ શાસન જ રાજસુખ આપી શકે અને સાથે નાગરિકોએ કર્તવ્યનું પાલન કરવું પડે.
નાગરીક કર્તવ્યનું પંચામૃત
નવા વિચારની સાથે નાગરીક કર્તવ્યના પાંચ મુદ્દા આપી જણાવ્યું હતું કે, આ નાગરીક કર્તવ્યનું પંચામૃત છે જે દરેક નાગરિકે યાદ રાખી પાલન કરવાની જરૂર છે.
(૧) કોઈને નડવું નહીં….. નાગરીક તરીકે બધાને જ જીવવાનો હક છે. બીજાને નડવું નહીં તેવો અભિગમ હોવો જોઈએ.
(૨) એક જાગૃત નાગરીક બનવું… શાસન વ્યવસ્થાનો મુખ્ય આધાર નાગરિકોની જાગૃતિ ઉપર હોય છે.
(૩) પ્રગતિશીલ બનો… પ્રગતિશીલ નાગરીક જ દેશની ખરી મૂડી છે. દરેક નાગરીક તંદુરસ્ત અને પ્રગતિશીલ હોવો જોઈએ.
(૪) કાયદા ને માન આપો.. કાયદા નાગરિકોની સુરક્ષા સુખાકારી અને અધિકારોના રક્ષણ માટે હોય છે. તેથી કાયદાઓનું પાલન કરવું તે નાગરીક તરીકેનું પ્રથમ કર્તવ્ય છે.
(૫) રાષ્ટ્રભાવ સાથે કામ કરો…રાષ્ટ્રભાવ સાથે કરેલું કાર્ય જ નાગરીક તરીકે ગૌરવ આપે છે. વાણી, વર્તન, વ્યવહાર અને કાર્યમાં દેશનું હિત પ્રથમ રાખવું તે જ ખરી રાષ્ટ્રીય ચેતના છે.
રહેવા માટે પ્રથમ પસંદગી ગુજરાત છે..તેનું કારણ.. “કાયદો અને વ્યવસ્થા” છે. – DCP હેતલ
સુરત શહેર પોલીસના સ્પેશિયલ બ્રાન્ચના DCP હેતલબેન પટેલ ખાસ અતિથિ ઉપસ્થિત રહીને લો અને ઓર્ડર વિશે સમજાવતા જણાવ્યું હતું કે, કાયદો નાગરીકોના હકો, સલામતી અને સુખાકારીનું રક્ષણ કરે છે. જ્યાં રહેતા હોઈએ તે રાજ્ય કે દેશમાં કાયદો અને વ્યવસ્થા ન હોય તો લોકોનું જીવન યાતનામય હોય છે. આજે સુરત “મીની ભારત” છે. તમામ રાજ્યના લોકો સુરતમાં રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રહેવા માટે પ્રથમ પસંદગી ગુજરાત છે તેનું કારણ.. “કાયદો અને વ્યવસ્થા” છે. લોકોને કાયદાની જાણકારી રાખવા અને જાગૃત રહેવા અપીલ કરી હતી. કાયદો પ્રજાના કલ્યાણ માટે હોય છે. સર્જાતી દુર્ધટનાને ટાળવા માટે વ્યવસ્થાને માન આપો. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ન્યાય મેળવવાની ઝંખના વગર ન્યાય મળે નહી. તે માટે સજાગ અને જાગૃત રહેવું પડે તેમ છે. ફરીયાદ કર્યા પછી સમાધાન કરી લેવા કરતા ન્યાયતંત્રને સમય આપવો જોઈએ. લોકોને ખોટી માન્યતા અને ડર કાઢીને ફરીયાદ માટે આગળ આવવું જોઈએ. હેતલબેને વધુમાં જણાવ્યું હતું કે, બાળક નીડર જન્મે છે તેનામાં ડરના બીજ વાવવા જોઈએ નહિ.. વિચારોની ગુલામીમાંથી બહાર આવવુ તે ખરી સ્વતંત્રતા છે.
દિવ્યાંગ જાનવી ચિત્રકલામાં નિપુણ
જન્મથી મુક બધીર કુ. જાનવી જગદીશભાઈ હિરપરા ચિત્રકલામાં શ્રેષ્ઠ દેખાવ કરી રહી છે. મૂળ ઇંગોરાળાના વતની જગદીશભાઈ હિરપરા અને માતા અસ્મિતાબેનને ત્યાં ૧૫ વર્ષ પહેલા જાનવીનો જન્મ થયો હતો. પરંતુ, તેની માતા અસ્મિતાબેનએ મમતા સાથે દીકરીનું જતન કર્યું. નિ:શબ્દ બની તેની સાથે કોમ્યુનિકેશન કરી દીકરીનું ભવિષ્ય બનાવ્યું છે. ગજેરા વિદ્યાભવનમાં નોર્મલ બાળકો સાથે ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી જાનવી હિરપરા આજે ખૂબ સારી આર્ટિસ્ટ બની છે ત્યારે જાનવીની સિદ્ધિ બદલ અને તેની માતાને તેની મહેનત બદલ “સુપર મોમ” નું સન્માન આપી અભિવાદન કર્યું હતું.
પોલીસ પણ એક નાગરીક છે.
ખૂબ જ સામાન્ય રત્નકલાકાર પરિવારની દીકરી નિમા રાજેશભાઈ દેસાઈ ધોરણ ૧૨ પછી પોલીસ કોન્સ્ટેબલ બની અને તેમની સિદ્ધિ બદલ સન્માનીત કરવામાં આવી હતી. ડી.સી.પી હેતલબેન પટેલ જણાવ્યું હતું કે, પોલીસ પણ એક નાગરીક છે તેને પણ બધા જ કાયદાઓ લાગુ પડે છે. આ પ્રસંગે નિવૃત Dysp જે. એમ પટેલ તથા નિવૃત ACP આર. એલ. માવાણી ઉપસ્થિત રહેતા તેમનું સ્વાગત સન્માન કરાયું.
હોસ્ટેલ માટે રૂપિયા ૭.૫ લાખ ના દાતાશ્રી નું સન્માન..
ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રી કિશોરભાઈ દુદાભાઈ માંગરોળીયા તરફથી હોસ્ટેલ પ્રોજેક્ટ માટે રૂપીયા ૭.૫ લાખ નો સંકલ્પ થયો છે. રૂમના દાતા એવા શ્રી કિશોરભાઈ માંગરોળીયાએ મુંબઈ ખાતે સંસ્થાના પ્રોજેક્ટની વાત પહોંચાડવા માટે તૈયારી દર્શાવી છે. તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી વિપુલભાઈ પરશોત્તમભાઈ હિરપરા તથા નીતાબેન વી. હિરપરા તરફથી પણ રૂમદાતા તરીકે રૂ. ૭.૫૦ લાખનો ચેક અર્પણ થયો છે.
વિચારોના વાવેતર કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વકીલો, તબીબો, યુવાનો, વડીલો અને મોટી સંખ્યામાં ગૃહિણીઓ પણ ઉપસ્થિત રહે છે. અને વિચારોના વાહક બને છે. ગત ગુરૂવારનો વિચાર ડો. શિલ્પાબેન સુતરીયા એ રજુ કર્યો હતો.