
ઉત્તરપ્રદેશમાં ગુરુવારે સવારે બારાબંકીમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. અહીંના દેવા વિસ્તારના બાબુરી ગામ નજીક એક ટૂરિસ્ટ બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 9 મુસાફરનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે 27 ઈજાગ્રસ્ત થયા છે, તેમાંથી ઘણાની હાલત ગંભીર છે. મૃત્યુની સંખ્યામાં વધારો થઈ શકે છે. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. બસ દિલ્હીથી બહરાઈચ જઈ રહી હતી. એમાં 60-70 મુસાફરો હતા. અચાનક રસ્તા પર આવેલી ગાયને બચાવવા જતાં ટ્રક અને બસ અથડાઈ હોવાના અહેવાલ છે.
SP યમુના પ્રસાદે જણાવ્યું હતું કે પોલીસ દળ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ટક્કર એટલી ગંભીર હતી કે બંને ગાડીના ફૂરચા ઊડી ગયા હતા. જેસીબીને ઘટનાસ્થળે બોલાવી બસ અને ટ્રકને અલગ કરવામાં આવી છે. ઘણા મૃતદેહો અને મુસાફરો ખરાબ રીતે ફસાયા ગયા હતા. કટર વડે ગાડીને કાપીને યાત્રીઓને કાઢવામાં આવી રહ્યા છે. મૃતકોની ઓળખ પ્રાપ્ત કરવામાં આવી રહી છે.
ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યું છે. જિલ્લાધિકારી ડો. આદર્શ સિંહે જિલ્લા હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્ત લોકોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મૃતકોનાં પરિવારજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રુપિયાની સહાયની જાહેરાત કરી છે. પ્રશાસને ઘટના બાદ કંટ્રોલ રુમનો નંબર 9454417464 જારી કર્યો છે. આ નંબર પર દૂર્ઘટના સાથે જોડાયેલી જાણકારી મેળવી શકાય છે.
બસમાં સવાર શારદા નામની મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. તેણે કહ્યું હતું કે બસમાં હાજર ડ્રાઈવર અને કંડક્ટર દારુ પી રહ્યા હતાં. તે લોકોએ બીજાને દારૂ પીવાની ના પાડી હતી, પરંતુ પોતે ચોરી છુપાઈને દારૂ પી લેતા હતા.