
શહેરમાં અવિરત ગેસ પુરવઠો પુરો પાડતી ગુજરાત ગેસ કંપનીના ગેર વહીવટનો ઉત્તમ નમુનો આજે સવારે અડાજણ પાલ વિસ્તારમાં જોવા મળ્યો હતો. સવારે સાત વાગ્યા બાદ શહેરના અડાજણ અને પાલ વિસ્તારના હજારો ગેસ કનેકશનમાં તબક્કાવાર ગેસ પુરવઠો બંધ થવાની શરૂઆત થઇ હતી. અને પંદરથી વીસ મિનીટમાં જ અડાજણ અને પાલ વિસ્તારના હજારો ઘરોમાં ગેસ પુરવઠો બંધ થઇ ગયો હતો.
જેના કારણે સવારે ચા પાણી બનાવવાથી માંડીને રોજીંદી રસોઇનું કામ કરતી ગૃહીણીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. ખાસ કરીને નોકરીયાત વર્ગના લોકો કે જેમને ટીફીન તૈયાર કરીને લઇ જવાના હોય તેમને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો હતો. બીજી તરફ લોકોએ ગુજરાત ગેસ કંપનીમાં ઇમર્જન્સી નંબર પર સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન પણ લાગતા ન હોવાની ફરિયાદ લોકોએ કરી હતી. સતત ત્રણ કલાક સુધી ગેસ પુરવઠો બંધ રહ્યા બાદ પાલ અડાજણ વિસ્તારમાં ફરી વખત ગુજરાત ગેસ કંપનીએ પુરવઠો રાબેતા મુજબ કર્યો હતો. કંપનીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગેસ પુરવઠાનું કન્ઝમશન વધારે થવાને કારણે પણ સપ્લાય બંધ થયાની સંભાવના રહેલી છે. જો કે, ગેસ પુરવઠો ખોરવાઇ જવા અંગે સત્તાવાર રીતે કંપની દ્વારા કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી.