
સુરત રેલવે સ્ટેશન પર આરપીએફના ત્રીજા નેત્ર સમાન સીસીટીવીનું વિશાળ અને અઘતન નેટવર્ક ઊભું કરાયું છે. 85 CCTVથી સ્ટેશનના ખૂણેખૂણા પર આરપીએફના જવાનો 24 કલાક બાજ નજર રાખી રહ્યા છે. તેમજ ગુનેગારોને સ્ટેશન પરિસરમાં પ્રવેશતા દબોચી લેવા સ્ટેશનના ચારેય પ્રવેશદ્વાર પર ફેસ રિકગ્નેશન કેમેરા લગાડવામાં આવ્યાં છે.
સુરત રેલવે સ્ટેશનને CCTVના નેટવર્કથી સજ્જ કરી દેવાયું છે. અઘતન ટેક્નોલોજી અને હાઇ રિઝોલ્યુશન ધરાવતા 85 કેમેરા ચારે તરફ ફિટ કરી દેવામાં આવ્યા છે. આ CCTV પર નજર રાખવા માટે સ્ટેશનના બીજા માળે સર્વેલન્સ રૂમ તૈયાર કરાયો છે. આ રૂમમાં એલઇડી ટીવી મૂકવામાં આવ્યા છે. જ્યાં 24 કલાક આરપીએફના જવાનો ફરજ બજાવે છે. તેમજ કેમેરામાં સ્ટેશનના ખૂણેખૂણે થઈ રહેલી ગિતિવિધ પર નજર રાખે છે. પશ્ચિમ રેલવેમાં સુરત રેલવે સ્ટેશન પર સૌપ્રથમ વખત ફેસ રેકગ્નેશન કેમેચ ગોઠવવામાં આવ્યા છે, તેના લીધે હવે સુરત સ્ટેશન પર ગુનેગાર ઉતરશે તો તાત્કાલિક તેની જાણ આરપીએફને થયા બાદ તેને દબોચી લેવાશે.
ગુજરાતમાં કોઇ પણ પ્રકારના ગુનામાં સંડોવાયેલા હોય તેમજ પોલીસ ચોપડે નોધાયેલા હોય તેવા ગુનેગારોના ફોટા સાથેના ડેટા સિસ્ટમમાં ફીડ કરાશે. રાજ્યના દરેક પોલીસ મથકના ગુનેગારોનો ડેટા પોલીસના ડેટા સાથે સિન્ક્રોનાઇઝ કરાશે. એક વખત સિસ્ટમમાં આ ડેટા ફીડ કરાયા બાદ આવા કોઇ પણ ગુનેગાર સુરત રેલવે સ્ટેશન પરિસરમાં પ્રવેશ કરશે એટલે ટીવી સ્ક્રીન પર વ્યક્તિના ચહેરા સાથે લાલ સકલ બતાવશે. ક્યા પ્રવેશદ્વારથી ગુનેગારે પ્રવેશ કર્યો તેના મેસેજ સાથે એલાર્મ વાગશે.