
નવી દિલ્હી, તા. 02 સપ્ટેમ્બર 2022, શુક્રવાર
કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓનો દુ:સાહસ હજુ પણ ચાલે છે. આતંકવાદીઓએ બંગાળના એક મજૂર પર ગોળીબાર કર્યો છે. પુલવામામાં આતંકવાદીઓએ મુનીરુલ ઈસ્લામ નામના મજૂરને ગોળી મારી દીધી હતી જેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં તે જોખમથી બહાર છે. આ દરમિયાન સૂરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે.
આતંકવાદીઓએ મુનીરુલ ઈસ્લામ પર તે સમયે હુમલો કર્યો જ્યારે તે પોતાના ભાડૂતી ઘરની બહાર ઊભો હતો. તે પુલવામાં જિલ્લાના નેવા ગામમાં રહેતો હતો અને કાશ્મીરમાં જ મજૂરી કરતો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, આતંકવાદીઓએ મુનીરુલ ઈસ્લામને તેના ઘરની બહાર જ ગોળી મારી દીધી હતી. તેને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. તેમની સ્થિતિ જોખમથી બહાર બતાવવામાં આવી રહી છે. વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી છે. સૌથી વધુ હુમલા પુલવામાં જિલ્લામાં જ થયા છે.
11 ઓગષ્ટના રોજ પણ બિહારના એક મજૂર મોહમ્મદ અમરેઝની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેમની હત્યા બાંદીપુરામાં કરવામાં આવી હતી. આ ઉપરાંત 14 ઓગષ્ટના રોજ પણ એક મજૂરની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ જ હુમલામાં બીજા બે મજૂરો પણ ઘાયલ થયા હતા. આટલું જ નહીં, 3 જૂનના રોજ ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા એક પરપ્રાંતિય મજૂરની પણ આતંકવાદીઓ દ્વારા નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હતી. આ પહેલા 7 એપ્રિલે આતંકવાદીઓએ પઠાણકોટના રહેવાસી સોનુ શર્મા પર ગોળીબાર કર્યો હતો. તેમાં તે ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયો હતો.