
ન્યૂયોર્ક
અમેરિકાએ અફઘાનિસ્તાન સેન્ટ્રલ બેંકની ૯૫૦ કરોડ ડોલરની સંપત્તિ સીઝ કરી દીધી હતી. આ ફંડ હવે તાલિબાનોના હાથમાં પહોંચશે નહીં. ન્યૂયોર્ક ફેડરલ રીઝર્વ પાસે સલામત રહેશે.
અમેરિકાના ટ્રેઝરી વિભાગના અધિકારીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાન સેન્ટ્રલ બેંકની ૯૫૦ કરોડ ડોલરની સંપત્તિ ન્યૂયોર્ક ફેડરલ રીઝર્વ બેંક પાસે સલામત પડી છે. એ સંપત્તિ હાલ પૂરતી સીઝ કરી દેવામાં આવી છે. તાલિબાનોના હાથમાં દેશની સંપત્તિ ન પહોંચી જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમેરિકાએ અફઘાનિસ્તાનને મળનારી ફંડની સપ્લાય તાત્કાલિક અસરથી રોકી દીધી હતી. અફઘાનિસ્તાનની સરકારનું ફંડ સલામતી ખાતર અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની નિગરાની હેઠળ રાખવામાં આવ્યું હતું.
અમેરિકાએ તાલિબાનો ઉપર પ્રતિબંધ મૂક્યો હોવાથી અમેરિકામાં અફઘાનિસ્તાન સરકારની જે પણ સંપત્તિ કે મિલ્કતો હશે તેનો એક્સેસ તાલિબાનોને મળશે નહીં.
અગાઉ અફઘાનિસ્તાન સેન્ટ્રલ બેંકના વડા અજમલ અહેમદીએ ટ્વિટ કરીને એવી માહિતી આપી હતી કે કદાચ અમેરિકામાં પડેલી અફઘાનિસ્તાન સરકારની મિલ્કત હવે હાલ પૂરતી અટકી જશે. ડોલરની શિપમેન્ટ અમેરિકા રોકી દેશે અને તાલિબાનના હાથમાં તે ન ચડે તે માટેના પ્રયાસો શરૃ થઈ ગયા છે. કારણ કે અમેરિકા નથી ઈચ્છતું કે કોઈ પણ રીતે અફઘાનિસ્તાનની સંપત્તિ તાલિબાનના હાથમાં આવી જાય. અહેમદીની ટ્વિટના પછીના દિવસે અમેરિકાએ આ અંગેની જાહેરાત કરી હતી.