
લોકોની સુખાકારી અને સમજણ માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત તરફથી દર ગુરૂવારે હેલ્થ,વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરવામાં આવે છે. પાંચમી સપ્ટેમ્બર ગુરૂવારે “શિક્ષક દિને” ૭૭માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રનું ભવિષ્ય વર્ગખંડમાં ઘડાય છે. શિક્ષણના કેન્દ્રમાં શિક્ષક છે. શિક્ષણએ સતત ચાલતી સામાજીક પ્રક્રિયા છે. દુનિયામાં સર્વપ્રથમ શિક્ષક “માં” છે. બાળકના જન્મથી ‘માં’ તેની પ્રથમ ગુરૂ બને છે. ત્યાર પછી પરીવાર, શાળા, કોલેજ તેને કેળવણી આપવાનું કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, માણસ પ્રકૃતિનું શ્રેષ્ઠ સર્જન છે. જે જન્મજાત શક્તિઓ સાથે જન્મે છે. આ શક્તિઓનો વિકાસ કરવો, તેમાં રહેલ કલા-કૌશલ્ય, આવડત અને સમજણની વૃદ્ધિ અને સભ્ય નાગરીક બનાવવાનું કામ શિક્ષણ કરે છે. શિક્ષણના જુદા-જુદા અર્થ અને હેતુઓ છે
.

(૧) સામાજીક અર્થ – સારો માણસ બનાવે તે ખરૂ શિક્ષણ છે. (૨) રાજનૈતિક અર્થ – સારો નાગરીક બનાવે તે ખરૂ શિક્ષણ છે. અને (૩) આર્થિક અર્થ – શિક્ષણ એ ઉત્પાદન પ્રક્રિયા છે. તેમાં સમય અને પૈસાનું રોકાણ કરવું પડે છે. સુદ્રઢ રાષ્ટ્ર અને સુખી સમાજના નિર્માણ માટે શિક્ષણ જ અગત્યનું પરીબળ છે. પરંતુ, વર્તમાન સમયે બાળક મોટું થાય તેમ કુંઠીત થતું જાય છે. તે માટે તેમણે નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, આજનું શિક્ષણ સ્મૃતિલક્ષી છે, જે સર્જનાત્મક શક્તિને રૂંધે છે. મુલ્યો વગરનું શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાન છે. જે જીવનના પડકારો સામે નાપાસ થાય છે. શિક્ષણ એ વ્યક્તિની ત્રીજી આંખ છે. જે જીવનનો ખરો આધાર છે. ગમે તેટલા પડકારો અને મુશ્કેલીઓનો ઉકેલ માત્ર વર્ગખંડમાંથી જ મળી શકે તેમ છે. સમય બદલાયો છે તેની સાથે શિક્ષણ વ્યવસ્થામાં પણ ફેરફાર કરવો પડે તેમ છે. હવે, ટેકનોલોજી શિક્ષણનો આધાર બનશે, જે વર્ગખંડનું સ્વરૂપ બદલશે. શાળા સુંદર બાગ છે. બાળક તેનો છોડ છે. જયારે શિક્ષક તેનો માળી છે. શિક્ષકે માળીની માફક છોડરૂપી બાળકનું જતન કરી તેમાં રહેલી શક્તિઓનો વિકાસ કરવાનું કાર્ય કરવાનું હોય છે..

આગળ વધવા માટે સતત શીખતા રહેવું તે એકમાત્ર ઉપાય છે. – કમલેશ યાજ્ઞિક
સાર્વજનિક યુનીવર્સીટી સુરતના પૂર્વપ્રમુખ, SRK નોલેજ ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ તથા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ તથા શિક્ષણ, ઉર્જા અને પર્યાવરણ ક્ષેત્રે જેમનું નોંધનીય યોગદાન છે તેવા શ્રી કમલેશભાઈ યાજ્ઞિકએ શિક્ષણનું ભવિષ્ય અને ભવિષ્યનું શિક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. શિક્ષક દિને તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. પ્રગતિ કરવા માણસે સતત શીખતા રહેવું જોઈએ. શિક્ષણથી અને સતત શીખવાથી માણસનો આંતરીક અને માનસીક વિકાસ થાય છે. સુદ્રઢ અને સુશિક્ષિત, આત્મનિર્ભર રાષ્ટ્રનું નિર્માણ સારી શિક્ષણ વ્યવસ્થાને આધારે જ થઈ શકે. એટલે કે, શિક્ષણ એટલે આપણી આંતરીક શક્તિનો વિકાસ ભવિષ્યની શિક્ષણ વ્યવસ્થાની વાતો કરતા વધુ જણાવ્યું કે, AI ટેકનોલોજીથી બાળકો પોતાની જાતે શીખશે અને નવી સ્કીલનું ડેવલોપમેન્ટ પણ ટેકનોલોજીની મદદથી જાતે કરી શકશે.

હાલના વૈશ્વિક ચિંતાજનક સમસ્યાઓ અને પ્રશ્નોથી નાથવા ‘શિક્ષણ’ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવી જરૂરી છે. જેનાથી જ વિદ્યાર્થીમાં સ્કીલ સાથેના નોલેજ થકી સુવિકસીત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે. માણસમાં જો આંતરીક ચેતના જાગૃત થાય તો જ પ્રશ્નોને નિવારી શકાય. તમામ સમસ્યાઓના સમાધાનનું એકમાત્ર કેન્દ્ર ‘શિક્ષણ’ જ છે. જેથી રાષ્ટ્રના ભવિષ્યનો આધાર શિક્ષણ વ્યવસ્થા પર રહેલો છે.

આ પ્રસંગે સ્ત્રી સશક્તિકરણ માટે અને ડાંગ વિસ્તારમાં બાળકોના શિક્ષણ માટે સક્રિય એવા ડો. અમીબેન યાજ્ઞિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એક તબીબ તરીકે આર્થિક ઉપાર્જન માટે કાર્ય કરવાને બદલે આદિવાસી લોકોના ઉત્કર્ષ માટે કાર્ય કરનાર અને સ્ત્રી સશક્તિકરણ માટે વિવિધ પ્રવૃત્તિ સાથે તેઓ જોડાયેલ છે. એવા સાચા લોકસેવક દંપત્તિનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

શિક્ષક દેવો ભવઃએવોર્ડથી સન્માન
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત તરફથી રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટના સંયુક્ત ઉપક્રમે દર શનિવારે એક શાળાના આદર્શ શિક્ષકને ‘શિક્ષક દેવો ભવઃ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રમજીવી પરિવારના બાળકોને શિક્ષણ આપવાનું કામ કરતી સંસ્થા કલરવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ભાવીબેન રાવળને શિક્ષક દેવો ભવઃ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. અત્યાર સુધી જુદી-જુદી શાળાઓમાં કુલ ૩૦ શિક્ષકોને વિશેષ રીતે બાળકોની હાજરીમાં સન્માનિત કરવામાં આવે છે. “જો શિક્ષકોને માન આપવામાં આવે તો શિક્ષક વર્ગખંડમાં મન આપે.” તેવી ઉમદા ભાવના સાથે શિક્ષક સન્માનની પ્રવૃત્તિ નિયમિત ચાલી રહી છે.


આ પ્રસંગે નિવૃત્તિ પછી પણ સેવા અને શિક્ષણ સાથે સંકળાયેલા શ્રી મનુભાઈ ગોંડલીયા તથા એ.વી. પટેલ હાઇસ્કુલના નિવૃત આચાર્ય અને આજે પણ વિજ્ઞાન તરફ લોકોની અભીરૂચી વધે તે માટે સતત પ્રવૃતિશીલ મનસુખભાઈ નારીયાનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. સમાજમાં કારકિર્દી ક્ષેત્રે પાયાનું માર્ગદર્શન આપનાર શ્રી મનુભાઈ ગોંડલીયા તથા બાળકોમાં વિજ્ઞાન અંગે અભીરૂચી વધે તે માટે સતત જાગૃત આચાર્ય મનસુખભાઈ નારીયા વિચારોના વાવેતર કાર્યક્રમના વાહક છે. આજે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા યુવાટીમ તથા વરાછા બેંક સ્ટાફમિત્રોએ સંભાળી હતી. ગત ગુરૂવારનો વિચાર ભાવેશભાઈ રફાળીયાએ રજુ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન હાર્દિકભાઈ ચાંચડે કર્યું હતું. અને લાઈવ પ્રસારણ રીયલ નેટવર્કના અંકીતભાઈ સુરાણીએ કર્યું હતું.